તર્ક અને નિર્ણય શક્તિ ખીલવવા રાજેશ ધામેલિયાનું માર્ગદર્શન
સુરત, તા.૧૦
શ્રી ભાવનગર જિલ્લા લેઉવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ –સુરત સંચાલિત જે.બી. એન્ડ કાર્પ વિદ્યાસંકુલ-લસકાણા ખાતે શિક્ષકો સાચી જોડણીનું મહત્વ સમજે,સાચું લખવા પ્રેરાય તેમજ ગુજરાતી-અંગ્રેજીમાં જોડણી અને વ્યાકરણના નિયમોમાં રહેલી સમાનતાથી વાકેફ થાય તે માટે “ગુજલિશ સેમિનાર”નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના શુભારંભે સરધારા શીતલબહેન અને સોલંકી મયુરીબહેને સુમધુર કંઠે પ્રાર્થના તેમજ ખાંભલા વિક્રમભાઈ તથા જયેન્દ્રભાઈએ ધૂન રજૂ કરી હતી.
માતૃભાષા ગૌરવ અને સંવર્ધન અભિયાનના સંવાહક શ્રી રાજેશભાઈ ધામેલિયા આજે માર્ગદર્શક તરીકે ઉપસ્થિત રહ્યા હતા, તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત એજ્યુકેશનલ ડાયરેક્ટર શ્રી બાબુભાઈ લાઠિયાએ કર્યું હતું. શિક્ષકોને માર્ગદર્શન આપતા શ્રી રાજેશભાઈ ધામેલિયાએ જણાવ્યું હતું કે, “જીવનના દરેક તબક્કે ચોકસાઈ અને સાવધાનીની જરૂર પડે છે. કમ્પ્યૂટરમાં પ્રોગ્રામિંગ દરમિયાન અલ્પવિરામ કે કૌંસની ભૂલ પણ ચાલતી નથી.ગણિતમાં “–” કે “+” ની નિશાનીમાં ભૂલ હોય તો ચલાવી લેતા નથી. રસોઈ દરમિયાન મીઠાંની બદલે ખાંડ કે ખાંડની બદલે મીઠું પડી જાય તો ચાલતું નથી. અરે ! દૂધ મેળવતી વખતે છાશનાં ટીંપાં પણ વધારે કે ઓછાં પડે તો ચાલતું નથી. તો માતૃભાષામાં જોડણીની ભૂલ કેમ ચલાવી લેવાય ? માતૃભાષામાં જોડણીના નિયમો ખૂબ સહેલા છે. જો એકવાર ધ્યાનપૂર્વક સમજવામાં આવે તો હજારો શબ્દોની સાચી જોડણી સહેલાઈથી લખી શકીએ છીએ. સેમિનારના પ્રતિભાવમાં શિક્ષકોએ જણાવ્યું હતું કે, “માતૃભાષા અંગે ક્યારેય વિચાર્યું ન હતું એવું આજે ઘણું નવું શીખવા મળ્યું છે. હવે સાચી જોડણી લખવાનો અમે પણ આગ્રહ રાખીશું અને વિદ્યાર્થીઓને શીખવીશું. આ સેમિનારમાં જે.બી.એન્ડ કાર્પ વિદ્યાસંકુલના એજ્યુકેશનલ ડાયરેક્ટર શ્રી બાબુભાઈ લાઠિયા, પ્રાથમિક,માધ્યમિક,ઉચ્ચતર માધ્યમિક એમ તમામ વિભાગના આચાર્યશ્રીઓ, નિરીક્ષકશ્રીઓ અને બાલભવન થી ધો.૧૨ સુધીના ૨૬૦ જેટલા શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમનું સુંદર સંચાલન ધામેલિયા હીરલબહેને કર્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



