જિલ્લાના ૯ તાલુકામાં ૧૬ અને ૧૭મીએ ખરીફ કૃષિ મહોત્સવ યોજવામાં આવશે

0
12
મહોત્સવના આયોજનના ભાગરૂપે બેઠકનું આયોજન
સુરત, તા. ૧૨

રાજયના ખેડૂતો આધુનિક ટેકનોલોજીયુકત ખેતી કરી વધુ ઉત્પાદન મેળવતા થાય તેમજ ગ્રામ્યકક્ષાએ આધુનિક ઓજારો, કૃષિ પધ્ધતિઓ, જળસંચય જેવા કાર્યક્રમોથકી ખેડૂતોની આવક વધે તેવા ઉમદા હેતુથી દર વર્ષેની જેમ આ વર્ષે પણ દરેક તાલુકાકક્ષાએ તા.૧૬ અને ૧૭મી જુનના રોજ ખરીફ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના આયોજનના ભાગરૂપે જિલ્લા અમલીકરણ સમિતિના સભ્યો સાથે જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિતેશ કોયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ જે તે તાલુકામાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને આપવામાં આવતા માર્ગદર્શન તથા સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતોના અનુભવોનું આદાન-પ્રદાન વ્યવસ્થિત થાય તેમજ વધુમાં વધુ ખેડૂતો મેળામાં ભાગ લે તે માટેની વ્યવસ્થાઓ કરવા જણાવ્યું હતું.
જિલ્લામાં તાલુકાવાર યોજાનાર કૃષિ મહોત્સવમાં તા.૧૬મીએ કામરેજ તાલુકામાં વિહાણ કોમ્યુનિટી હોલ ખાતે, માંડવીમાં અણુમથક સાંસ્કૃતિક ભવન, માંડવી હાઈસ્કુલ ખાતે, મહુવામાં ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી મુ.બામણીયા ખાતે યોજાશે. જયારે તા.૧૭મીના રોજ ઓલપાડ તાલુકામાં ધી પુરૂષોત્તમ ફાર્મર્સ સોસાયટી સાયણ રોડ, ઓલપાડ જીન, બારડોલીમાં કાછીયા પાટીદાર સમાજના સાંસ્કૃતિક સંકુલ ખાતે, ચોર્યાસી તાલુકામાં ભેસાણ ખાતે સમસ્ત પાટીદાર સમાજની વાડી, માંગરોળમાં વાંકલ સરકારી સાયન્સ કોલેજ તથા ઉમરપાડામાં એ.પી.એમ.સી. કેવડી ખાતે ખરીફ કૃષિ મહોત્સવ યોજાશે.
ખરીફ કૃષિ મહોત્સવ સેમિનારનો કાર્યક્રમ સવારે ૯.૦૦ થી બપોરના ૧.૦૦ વાગ્યા સુધી કૃષિ, પશુપાલન તથા બાગાયત વૈજ્ઞાનિકોનું માર્ગદર્શન, પ્રગતિશીલ ખેડૂતોના અનુભવોનું આદાન-પ્રદાન, કિશાન ગોષ્ઠી જયારે એકઝીબિશન સવારના ૮.૩૦ થી સાંજના ૬.૦૦ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. આ ઉપરાંત પશુ સારવાર કેમ્પ તથા પશુ સારવાર માટેનું માર્ગદર્શન પણ પશુપાલન વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવશે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ દરેક તાલુકાઓમાં યોજાનાર કૃષિ મહોત્સવમાં સેમિનાર અને એકઝીબીશન, સ્ટોલ્સની વ્યવસ્થા, પીવાના પાણીની સુયોગ્ય વ્યવસ્થા અંગે જે તે અધિકારીઓને સૂચનાઓ આપી હતી. બેઠકમાં ખેતીવાડી, બાગાયત, આત્મા પ્રોજેકટના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY