યોજનાકીય સાધન સહાયનું હાથોહાથ વિતરણ કરાયું
સુરત, તા.૮
રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સહાય ગરીબ લાભાર્થીઓને એક જ સ્થળે હાથોહાથ આપવાના આશયથી દર વર્ષે રાજ્યભરમાં ગરીબ કલ્યાણ મેળો યોજાય છે. આવતીકાલ તા.૮મીએ અડાજણના સંજીવકુમાર ઓડીટોરિયમ ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષપદે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે. જેમાં મંત્રીશ્રી, મેયરશ્રી સહિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને હાથોહાથ સાધન સહાયનું વિતરણ કરવામાં આવશે. રાજ્યવ્યાપી ૧૧મા ચરણના ગરીબ કલ્યાણના પ્રારંભ અંતર્ગત સુરત શહેરના કુલ ૧૩,૫૮૯ જરૂરિયાતમંદ લાભાર્થીઓને રૂ.૨૯૫.૪૧ કરોડની માતબર સહાય અર્પણ કરાશે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં અગાઉ યોજાયેલા ૧૦ ગરીબ કલ્યાણ મેળામાં કુલ ૧.૦૪ લાખ લાભાર્થીઓને રૂ.૧,૦૯૮.૪૧ કરોડની સહાયનું વિતરણ કરાયું હતું.
મેળામાં સરકારના વિવિધ વિભાગો, બેંકો, વિકાસલક્ષી કોર્પોરેશનો અને વીમા કંપનીઓ દ્વારા અમલ કરાતી યોજનાઓના લાભોનું એકસાથે, એકજ સમયે, એકજ સ્થળેથી વિતરણ કરવામાં આવશે. રાજ્યમાં અત્યાર સુધીમાં દરિદ્રનારાયણ માટેના યજ્ઞ સમાન ૧૪૯૧ ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા ૧.૩૪ કરોડ ગરીબ લાભાર્થીઓને રૂ.૨૩,૮૯૦ કરોડની હાથોહાથ સહાય અપાઈ ચૂકી છે. ગરીબ કલ્યાણ મેળામાં નવતર અભિગમ અપનાવીને આ વર્ષે ઉજવલા યોજના હેઠળના લાભાર્થીઓને ગેસ કનેકશન તથા રસોઇ માટે સ્ટેનલેસ સ્ટીલનું પ લીટરનું પ્રેશર કુકર રાજ્ય સરકાર આપશે. આ વર્ષે રૂ. ર૦ હજાર સુધીની મર્યાદામાં આખા આંટાનું સિલાઇ મશીન, કડીયાકામની કીટ, પ્લમ્બર અને વેલ્ડરો માટે નવી ટેકનોલોજી પ્રમાણેના સાધનો તથા ખાસ કરીને મહિલાઓ રાજ્યની આર્થિક પ્રગતિમાં સ્વમાનભેર ભાગીદાર થાય તે માટે સખીમંડળોને રૂ. ૪૭૦૦૦ની મર્યાદામાં પેપર કપ, પેપર ડીશ, મસાલા યુનિટ, બ્યુટી પાર્લર, મસાજ વગેરે કીટની સહાય આપવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



