સુરત જિલ્લામાં કુલ ૪૧,૮૪,૭૧૬ મતદારો પૈકી ૧૯,૧૮૬૮૩ મહિલા મતદારો છે : કલેક્ટર
તા.૧-૧-૨૦૧૯ સુધીમાં ૧૮ વર્ષ પૂરા કરનાર વ્યક્તિ મતદાર યાદીમાં નામ નોંધાવી શકશે
સુરત જિલ્લાની આખરી મતદાર યાદી પ્રમાણે નવા ૮૨,૫૧૩ મતદારો ઉમેરાયા
સુરત, તા.૭
મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૧૯ અંતર્ગત જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.ધવલ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી આગામી લોકસભા ચૂંટણી પહેલા અદ્યતન મતદાર યાદી અંગે જાણકારી આપી હતી.
કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં ૧૬ વિધાનસભા વિસ્તારમાં ૩ લોકસભાની બેઠક છે. જેમાં તા.૩૧/૦૧/૨૦૧૯ની સ્થિતિએ જિલ્લાની આખરી મતદાર યાદી પ્રમાણે ૪૧,૮૪,૭૧૬ મતદારો છે. જેમાં ૨૨,૬૫,૯૨૨ પુરૂષ અને ૧૯,૧૮,૬૮૩ મહિલા મતદારો તેમજ ત્રીજી જાતિના ૧૧૧ મતદારોનો સમાવેશ થાય છે. અદ્યતન મતદાર યાદી મુજબ નવા ૮૨,૫૧૩ મતદારો ઉમેરાયા છે. ભારતીય ચૂંટણીપંચના નિર્દેશ પ્રમાણે તા.૦૧-૦૧-૨૦૧૯ની લાયકાતના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૧૯ મુજબ આગામી સમયમાં મતદાર યાદીમાં નામ નોંધાવવાની ખાસ ઝુંબેશ હાથ ધરાશે. જેમાં ૧-૧-૨૦૧૯ સુધીમાં ૧૮ વર્ષ પૂરા કરનાર યુવાવર્ગ માટે મતદાર યાદીમાં નામ નોંધાવી મતાધિકાર મેળવવાની સુવર્ણ તક છે.
ટોલ ફ્રી હેલ્પ લાઇન નં.૧૯૫૦ ઉપર કોઇપણ નાગરિક ફોન કરીને ચૂંટણીલક્ષી જાણકારી મેળવવા સાથે ફરિયાદ પણ નોંધાવી શકશે. આ હેલ્પેલાઇન મતદાર સંબંધિત માર્ગદર્શન આપવા માટે ૨૪ કલાક કાર્યરત રહેશે એમ તેમણે જણાવ્યુ હતું.
કલેકટરશ્રીએ યુવાન મતદારોમાં ચૂંટણીલક્ષી જાગૃત્તિ આવી હોવાનું જણાવી કહ્યું કે, લાયકાત ધરાવતા તમામ મતદારોની નોંધણી થવી જરૂરી છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં ફોટો ઓળખકાર્ડ મેળવવું અનિવાર્ય છે. ચૂંટણી કાર્ડ હોય પરંતુ મતદારયાદીમાં નામ ન હોય તો મતદાન કરી શકાતું નથી. આ સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો મુખ્ય આશય નવા મતદારોની નોંધણી સાથે મતદાર યાદીઓમાં રહી ગયેલ ક્ષતિઓ, બાકી રહી ગયેલ મતદારોના નામો દાખલ કરવા, નામો રદ કરવા, એક મતદાર વિભાગથી અન્ય મતદાર વિભાગમાં નામ સ્થળાંતર કરવા, લાયક મતદારોના નામો ખોટી રીતે રદ ન થાય તે પણ ચકાસણી થઈ જાય તેવો છે. તેમણે ઈવીએમ-વીવીપેટની પ્રથમ તબક્કાની ચકાસણીની કામગીરી પૂર્ણ થઇ હોવાનું પણ ઉમેર્યું હતું. પત્રકાર પરિષદમાં પ્રિન્ટ. અને ઇલેકટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



