સુરતના યુવાજગતમાં રાજય સરકારના મુખપત્ર એવા ‘‘ગુજરાત પાક્ષિક’’ની ભારે માંગ

0
124

સુરત, બુધવાર:
રાજય સરકાર દ્વારા આગામી દસ વર્ષ દરમિયાન સરકારી નોકરીઓમાં લાખો યુવાનોની ભરતી કરવામાં આવનાર છે. યુવાનો ભરતીની તૈયારીઓ કરી શકે તે માટે વર્ષની શરૂઆતમાં જ ભરતી કેલેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ માટે બજારમાં અનેક ખાનગી પુસ્તકો, મેગેઝિનોનો પ્રસિધ્ધ થાય છે. તેવા સમયે રાજય સરકારના માહિતી વિભાગ દ્વારા પ્રસિધ્ધ થતું મુખપત્ર ‘‘ગુજરાત પાક્ષિક’’ મેગેઝીન નવયુવાનો માટે ધણુ જ ઉપયોગી થઈ રહ્યું છે.
સુરત શહેર-જિલ્લામાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો સુરતની પ્રાદેશિક માહિતી કચેરી ખાતે ગુજરાત પાક્ષિક મેળવવા યુવા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં આવી રહ્યા છે. ‘‘ગુજરાત પાક્ષિક’’ માટે પૂછ-પરછ અને લવાજમ નોંધાવવા આવતા મુલાકાતીઓમાં મોટા ભાગના યુવાનો હોય છે. શાળા કોલેજની વાર્ષિક પરીક્ષાઓમાંથી પરવારીને યુવાનો માહિતી કચેરી પર ‘ગુજરાત મેગેઝિન’ મેળવવા માટે ધસારો કરી રહ્યા છે, ત્યારે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવામાં ગુજરાત પાક્ષિક ખુબ સહાયરૂપ ભૂમિકા ભજવી રહ્યું છે.
સુરતમાં મોટા પ્રમાણમાં યુવા વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરવા માટે ગુજરાત પાક્ષિકનો રેફરન્સ તરીકે ઉપયોગ કરીને વાંચન કરી રહ્યા છે. કારણ કે તેઓ ગુજરાત પાક્ષિકને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી અને જનહિતલક્ષી યોજનાઓ, ગુજરાતના સાંપ્રત પ્રવાહો, સરકારી નિર્ણયો, કાર્યક્રમો વગેરે માટે આધિકારિક સંદર્ભગ્રંથ તરીકે વાંચનમાં પ્રાથમિકતા આપી રહ્યા છે.
ગુજરાત પાક્ષિક સહિત માહિતી ખાતા દ્વારા પ્રસિદ્ધ થયેલા અનેક પુસ્તકોમાં ગુજરાતના સમાજજીવન, વેશભૂષા અને ભાષા-બોલીઓ, લોકસંસ્કૃતિ, આદિજાતિ પરંપરા અને એમનું સામાજિક જીવન, દિવ્યાંગો, ખેડૂતો, મહિલાઓ માટેની કલ્યાણકારી યોજનાઓ, કારકિર્દી માર્ગદર્શન જેવા વિવિધતાસભર અનેક ક્ષેત્રની વિશદ માહિતી અને જ્ઞાન લોકોને અને ખાસ કરીને યુવાનોને મળી રહ્યું છે.
સુરત માહિતી વિભાગની નાનપુરા સ્થિત ઓફિસ પર ગુજરાત પાક્ષિક મેળવવા આવનાર કતારગામમાં રહેતી વિદ્યાર્થીની દક્ષાબેન વાઘજીભાઈ તરસરિયા હાલ પી.એચ.ડી. કરી રહી છે. દક્ષા જણાવે છે કે, ‘હું પી.એચ.ડી.ના અભ્યાસની સાથે સાથે જી.પી.એસ.સી. અને ગુજરાત ગૌણ સેવાની પરીક્ષાઓની પણ તૈયારી કરી રહી છું. ‘ગુજરાત પાક્ષિક’ મેગેઝિનની નિયમિત વાચક છું. સુરત માહિતી કચેરી ખાતેથી વિનામૂલ્યે ગુજરાત પાક્ષિકની સાથે અન્ય યોજનાકીય પુસ્તકો પણ લઈ સમયતરે લઈ જાવું છું. જે મને અભ્યાસ માટે ખુબ ઉપયોગી નીવડ્યા છે. રાજય સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓની જાણકારી અમને ‘ગુજરાત’ મેગેઝિનમાંથી મળી રહે છે. રાજય સરકારના વિવિધ જનહિતના કાર્યક્રમો અને નીતિવિષયક બાબતો, યોજનાકીય માહિતીથી અમે માહિતગાર થઇએ છીએ. ખાસ કરીને અખબારોમાં પ્રકાશિત ન થતી ઘણી જાણકારીઓ ગુજરાત પાક્ષિકમાં વાંચવા મળે છે.’
વરાછા વિસ્તારમાં રહેતા અને હાલમાં જ B.Sc. નો અભ્યાસ પૂર્ણ કરી રાજ્ય સરકારની GPSC સહિત વિવિધ પરીક્ષાઓની તૈયારી કરતા દિપક ઝીંઝાળા ગુજરાત પાક્ષિક દ્વારા અભ્યાસકીય ઉપયોગી સામગ્રી મળી રહી હોવાનું જણાવતા કહે છે કે, મિત્રોએ મને ગુજરાત મેગેઝિનનું વાંચન કરવાની પ્રેરણા આપી હતી. સરકારની કામગીરી અને વિધાનસભામાં ગુજરાત સરકારના અનેક નિર્ણયો, યોજનાઓ વગેરેની આધારભૂત અને સચોટ માહિતી મને આ મેગેઝીનમાંથી મળી રહે છે.
માહિતી કચેરીની મુલાકાતે આવેલા વરાછાના અન્ય એક વિદ્યાર્થી વિપુલ છગનભાઈ વાળા પણ B.Sc. નો અભ્યાસ કરી રહ્યો છે. વિપુલ કહે છે કે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા નવયુવાનો માટે ગુજરાત પાક્ષિક અને માહિતી ખાતાના પ્રકાશનો બહૂ જ ઉપયોગી છે. આ મેગેઝીનમાં GPSC જેવી પરીક્ષાઓમાં ઉપયોગી થાય તેવું ભાથુ પીરસવામાં આવે છે. ગુજરાત પાક્ષિક દ્વારા પ્રત્યેક અંકમાં ગુજરાતના દરેક જિલ્લાના ઈતિહાસની રસપ્રદ વિગતો જાણવા મળે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ‘ગુજરાત’ પાક્ષિક મારા જેવા લાખો વિદ્યાર્થીઓને ઉપયોગી તો છે જ, ઉપરાંત પાક્ષિકમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે પણ ખૂબ સરસ, ઝીણવટભરી માહિતી આપવામાં આવે છે. જ્યારે અનેક ઉપયોગી લેખો દ્વારા રાજ્ય સરકારના પગલાઓની વિસ્તૃ ત છણાવટ કરીને વાંચનનો રસથાળ પીરસવામાં આવે છે.’

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY