વ્યારા:
આદિજાતિ બહુલ તાપી જિલ્લો વિકાસ પથ પર અગ્રેસર છે, જિલ્લાના વધુ સારા વિકાસ માટે ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને વહીવટીતંત્રના અધિકારીઓ પરસ્પર સંકલન અને વ્યવહારૂ અભિગમ કેળવી સમયસર વિકાસ કામો પુરા કરે એ જરૂરી છે એમ રાજયના મહેસૂલ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું.
તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે આવેલા નગરપાલિકા તરણકુંડના સભાખંડમાં યોજાયેલી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ઉપસ્થિત પદાધિકારીઓ અને અધિકારીઓને સંબોધતા પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે, ગુણવત્તાસભર વિકાસકામો થાય એ માટે તંત્ર તો ચિંતા કરે જ છે સાથોસાથ સમાજના શ્રેષ્ઠીઓ પણ આગળ આવવું પડશે એમ જણાવ્યું હતું.વધુમાં તેમણે પદાધિકારીઓએ સૂચવેલ કામોને અગ્રતા આપવા તાકીદ કરીહતી. બેઠકમાં મંત્રીએ જણાવ્યું હતું કે,રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં રાજયમાં પીવાના પાણીની કોઇ તકલીફ ન પડે એવું સઘન આયોજન કરવામાં આવ્યું છે એમ ઉમેરી તેમણે સરકાર ઉદાર દિલે કામ કરી રહી હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત મંત્રી પટેલે શરૂ ન થયેલા કામો તાત્કાલિક ચાલુ કરવા અને પ્રગતિ હેઠળના કામો વહેલી તકે પૂર્ણ કરવા તાકીદ કરી હતી.
બેઠકમાં ધારસભ્ય મોહનભાઇ ઢોડિયા, પુનાજીભાઇ ગામીત, આનંદભાઇ ચૌધરીઅને સુનીલભાઇ ગામીતે સ્થાનિક કક્ષાએ રોજગારી ઉપલબ્ધ થાય, સિંચાઇની સુવિધા, આરોગ્ય, પીવાના પાણી સહિતના મુદ્દે પ્રભારી મંત્રીને રજૂ કરી હતી. જેનો પ્રભારી મંત્રી તરફથી હકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો હતો.
બેઠકમાં કુકરમુન્ડા તાલુકા માટે વિવેકાધીન જોગવાઇ હેઠળ રૂા. ૧૧૪.૫૦ લાખ, પ્રોત્સાહક યોજના હેઠળ રૂા. ૨.૫૦ લાખ, ખાસ અંગભૂત યોજના હેઠળ રૂા. ૫ લાખ, ઉકાઇ અસરગ્રસત યોજના હેઠળ રૂા. ૫ લાખ મળી કુલ ૧૨૫ લાખ, નિઝર તાલુકા માટે વિવેકાધીન યોજના હેઠળ રૂા. ૮૫.૫૦ લાખ, પ્રોત્સાહક યોજના હેઠળ રૂા. ૨.૫૦ લાખ, ખાસ અંગભૂત યોજના હેઠળ રૂા. ૯ લાખ, ઉકાઇ અસરગ્રસત યોજના હેઠળ રૂા. ૯ લાખ મળી કુલ ૧૦૦ લાખ, ઉચ્છલ તાલુકા માટે વિવેકાધીન જોગવાઇ હેઠળ રૂા. ૧૧૭.૫૦ લાખ, પ્રોત્સાહક યોજના હેઠળ રૂા. ૨.૫૦ લાખ, ઉકાઇ અસરગ્રસત યોજના હેઠળ રૂા. ૫ લાખ મળી કુલ ૧૨૫ લાખ, સોનગઢ તાલુકા માટે વિવેકાધીન જોગવાઇ હેઠળ રૂા. ૧૨૦.૫૦ લાખ, પ્રોત્સાહક યોજના હેઠળ રૂા. ૨.૫૦ લાખ, ખાસ અંગભૂત યોજના હેઠળ રૂા. ૧૨ લાખ, ઉકાઇ અસરગ્રસત યોજના હેઠળ રૂા. ૧૫ લાખ મળી કુલ ૧૫૦ લાખ, વ્યારા તાલુકા માટે વિવેકાધીન યોજના હેઠળ રૂા. ૧૧૦.૫૦ લાખ, પ્રોત્સાહક યોજના હેઠળ રૂા. ૨.૫૦ લાખ, ખાસ અંગભૂત યોજના હેઠળ રૂા. ૨ લાખ મળી કુલ રૂા. ૧૨૫ લાખ, ડૉલવણ તાલુકા માટે વિવેકાધીન જોગવાઇ હેઠળ રૂા. ૧૨૦.૫૦ લાખ, પ્રોત્સાહક યોજના હેઠળ ૨.૫૦ લાખ, ખાસ અંગભૂત યોજના હેઠળ રૂા. ૨ લાખ મળી ૧૨૫ લાખ, વાલોડ તાલુકા માટે વિવેકાધીન જોગવાઇ હેઠળ રૂા.૯૨.૫૦ લાખ, પ્રો્સાહક યોજના હેઠળ રૂા. ૨.૫૦ લાખ, ખાસ અંગભૂત યોજના હેઠળ રૂા. ૫ લાખ મળી રૂા. ૧૦૦ લાખ, વ્યારા નગરપાલિકાને વિવેકાધીન જોગવાઇ હેઠળ રૂા. ૨૫ લાખ અને સોનગઢ નગરપાલિકાને વિવેકાધીન જોગવાઇ હેઠળ રૂા. ૨૫ લાખ મળી રૂા. ૯૦૦ લાખના વિકાસ કામોને મંજુર કરવામાં આવ્યા હતા. બેઠકના પ્રારંભે જિલ્લા કલેકટર એન.કે ડામોરે પુષ્પગુચ્છથી પ્રભારી મંત્રીનું સ્વાગત કરી સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ગજરાબેન ચૌધરી, વ્યારા નગરપાલિકાના પ્રમુખ દિપાલીબેન પાટીલ, તાલુકા પંચાયતોના પ્રમુખો, જિલ્લા વિકાસ અધિકારી જે.બી પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક એન.એન.ચૌધરી, નાયબ વન સંરક્ષક આનંદકુમાર, અધિક નિવાસી કલેકટર એસ.પી.મુનિયા, આયોજન અધિકારી પટેલ, સામાન્ય વહીવટ વિભાગ આયોજન પ્રભાગના ઉપસચિવ, જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"