કુચિયાદડના ગ્રામજનોની તરસ છીપવાતા માં નર્મદાના નીર

0
22

રાજકોટ
રાજકોટ જિલ્લાના કુચિયાદડ ગામે પાણી પુરવડા બોર્ડ દ્વારા અપાતા નર્મદાના પાણીને કારણે ગ્રામજનોની પીવાના પાણીની સમસ્યા હલ થઇ છે. હાલમાં ગામમાં તમામ એટલે કે ૫૩૬ ઘરોને પીવા માટેનું પાણી આપવામાં આવે છે. જેની વ્યવસ્થા ગામની પાણી સમિતિ સંભાળે છે. બીજી તરફ, ગામમાં પશુઓને પીવા માટેના ત્રણેય અવાડા પશુધન માટે આશીર્વાદરૂપ છે. આ પાણી પીવાલાયક ન હોવાનું સારી રીતે સમજતા ગ્રામજનોએ એ વાત સ્પષ્ટપણે જણાવી કે અવાડાનું પાણી કદાપિ પીવા માટે લેવામાં આવતું નથી. પણ, ભેંસને ધમારવા (નવડાવા), વાછરડા, પાડરડાને પીવડાવા માટે અવાડાના પાણીનો ઉપયોગ થાય છે. કોઇ આકસ્મિક સંજોગોમાં વાસણ ધોવા જેવા ગૃહકાર્ય માટે આ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.
ગામના સરપંચ અને પાણી સમિતિના અધ્યક્ષ હરેશભાઇ ડાયાભાઇ આસોદરિયાએ જણાવ્યું કે ગામની વસ્તી ૨૦૪૬ લોકોની છે. વ્યક્તિ દીઠ ૭૦ લિટર પાણી મળી એવું આયોજન પાણી પુરવઠા બોર્ડ દ્વારા વર્ષ ૨૦૦૬માં ઘડી કાઢવામાં આવ્યું હતું અને વર્ષ ૨૦૦૭માં પાણીનો ભૂગર્ભ સંપ બનાવવામાં આવ્યો છે. ત્યાંથી છેક એન્ડ પોઇન્ટ સુધી પાણીની લાઇન બિછાવવામાં આવી છે અને ઘરોને કનેકશન આપવામાં આવ્યા છે. જેમાં ગ્રામજનોને પીવાનું શુદ્ધ પાણી મળે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, અમને એવી વાત પણ ધ્યાને આવી છે કે કેટલાક ઘરોએ નિયમ મુજબ અડધા ઇંચના પાઇપનું કનેકશન લેવાના બદલે પોણોઅને એક ઇંચ સુધીના પાઇપ મુકી કનેકશન લેવામાં આવ્યા છે. વળી, કેટલાક લોકો દ્વારા ઇલેક્ટ્રિક મોટર મૂકી પાણી ખેંચી લેવામાં આવે છે. જેના કારણે આગળ વિસ્તારોને અપૂરતા ફોર્સ અને પ્રમાણમાં પાણી મળે છે. ગામની એકતામાં કોઇ વિક્ષેપના પડે એ માટે કોઇ કાર્યવાહી કરવામાં આવી નહોતી. હવે, આવી રીતે નિયમોની વિરુદ્ધ જઇ કનેકશન લેનારા ઘરો સામે પગલાં લેવામાં આવશે.
સરપંચશ્રીએ ભારપૂર્વક જણાવ્યું કે ગામના અવાડાનું પાણી લોકો પીવા માટે ઉપયોગ કરે એ વાતમાં તથ્ય નથી. અવાડાનું પાણી માત્રને માત્ર પશુઓના ઉપયોગ માટેનું જ છે. ગામના અવાડાનું પાણી જોઇ કોઇ પણ વ્યક્તિ સહજ રીતે સમજી શકે એમ છે કે આ પાણીનો ઉપયોગ પીવા માટે થઇ શકે એવો નથી. તેમની વાતને સમર્થન આપતા તલાટી મંત્રી ગૌરવભાઇ કહે છે કે અવાડાના પાણીનો પીવા માટે ઉપયોગ થતો જ નથી.
અન્ય એક ગ્રામજન નાથાભાઇ મકવાણા પણ એવું જ કહેતા ઉમેરે છે કે અવાડાના પાણીનો પીવાના પાણી તરીકે ઉપયોગ થતો નથી. પાણી વિતરણ સંબંધી જે ત્રુટિ છે, એ લોકોના સાથસહકારથી દૂર કરવામાં આવશે.
ગામના અગ્રણી નાગરિક રમેશભાઇ જાડાએ કહ્યું કે કોઇ પણ ગ્રામજન દ્વારા અવાડાનું પાણી પીવા માટે ઉપયોગ લેવામાં આવતો નથી. ઘર વપરાશમાં ઉપયોગમાં લે એ વાત અલગ છે. સામાન્ય રીતે અવાડાના પાણીથી પશુઓને ધમારવા, વાછરડાને પીવડાવા, છંટકાવ જેવા ગૃહવપરાશ માટે અવાડાનું પાણી ઉપયોગમાં લેવામાં આવે છે.
માહિતી ખાતાની ટીમે અવાડાના આસપાસના ઘરોની મુલાકાત લીધી. એમના પાણીઆરામાં રાખવામાં આવેલા ગોળામાંથી પાણી પીધું. જે પાણી પીવાલાયક હતું. રાધિકા ડાભી નામની એક યુવતીએ કહ્યું કે અમે અવાડાનું પાણી કોઇ પીતું હોય એવું અમારા ધ્યાને ક્યારે આવ્યું નથી. અમારા ઘરે નળનું પાણી આવે છે. જેનો વપરાશ કરીએ છીએ. સંજયભાઇના ઘરે પણ એવું જ સ્વચ્છપાણી પીવા મળ્યું હતું. ટૂંકમાં એવું કહી શકાય એ ગામમાં પીવાનું પાણી મળી રહે છે. એટલે અવાડાનું પાણી પીવાનો કોઇ પ્રશ્ન ઉભો નથી થતો.
પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેર કોમલ અડાલજાએ કહ્યું કે, ગામને રોજના ૧ લાખ ૪૫ હજાર લિટર પાણીની જરૂરિયાત સામે એકાંતરા ત્રણ લાખ લિટર પાણી આપવામાં આવે છે. જે ગ્રામની જરૂરિયાત મુજબ પાણીનો જથ્થો છે. અમે પણ તપાસ કરી તો એમાં એવું ફલિત થયું છે કે કોઇ પણ ઘરમાં અવાડાનું પાણી પીવાના ઉપયોગમાં લેવામાં આવતું નથી.
આજે કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાના આદેશથી નાયબ કલેક્ટર પ્રજ્ઞેશ જાનીએ કુચિયાદડ ગામની મુલાકાત લીધી હતી. એમાં પણ ઉક્ત બાબતો હકીકત સ્વરૂપે મળી હતી. જેમાં પાણીની લાઇન, વાલ્વ ખરીદવા માટેની દરખાસ્ત તત્કાલ કરાવી હતી. જેથી વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરી શકાય.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY