રવિશંકર પ્રસાદે શશિ થરુરને હત્યાના આરોપી ગણાવ્યા હતા
તિરુવનંતપુરમ્,તા.૧૦
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન શશી થરુર અને કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ વચ્ચેનો ટકરાવ વધુ ઉગ્ર બનતો જાય છે. કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદના નિવેદનથી નારાજ શશી થરુરે તિરુવનંતપુરમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. શશી થરુરે તિરુવનંતપુરમ કોર્ટમાં કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરીને રવિશંકર પ્રસાદને પોતાના નિવેદન પર માફી માગવા જણાવ્યું છે.
વાસ્તવમાં શશી થરુરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરી હતી ત્યાર બાદ તેમને ભાજપના નેતાઓના આક્રોશનો સામનો કરવો પડયો હતો. શશી થરુર પર વળતો પ્રહાર કરતાં કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે એક વીડિયો અપલોડ કર્યો હતો જેમાં તેમણે શશી થરુરને હત્યાના આરોપી ગણાવ્યા હતા.
કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદને મોકલવામાં આવેલી નોટિસમાં શશી થરુરે જણાવ્યું છે કે આ નિવેદન જુઠ્ઠું, દુર્ભાવનાપૂર્ણ અને બદનક્ષી કારક છે. જા ભારતના કાયદા પ્રધાન રાજકીય વિરોધને લઇને હત્યાના ખોટા કેસની તપાસની વાત કરે તો પછી ન્યાય અને લોકતંત્ર પર કોને વિશ્વાસ રહેશે?
આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદીત ટિપ્પણી કરવા બદલ શશી થરુર સામે પણ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. શશી થરુર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ ક્રિમિનલ માનહાનિ કેસનો અદાલતે સ્વીકાર કર્યો છે અને આ કેસની આગામી સુનાવણી રર ડિસેમ્બરના રોજ કરવામાં નિર્ધારિત કરવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





