ઉમરપાડા અને માંગરોળ તાલુકા ટ્રાયબલ સબ પ્લાન અંતર્ગત આયોજન મંડળની બેઠક યોજાઈ

0
33

સુરત,
ઉમરપાડા અને માંગરોળ તાલુકા ટ્રાયબલ સબ પ્લાન અંતર્ગત આયોજન મંડળની બેઠક વન, આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં વર્ષ ૨૦૧૮-૧૯ માટે કરવામાં આવનાર વિકાસકાર્યોના આયોજન અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તેમજ ઉમરપાડા અને માંગરોળ તાલુકા ટ્રાયબલ સબ પ્લાન હેઠળ વર્ષ ૨૦૧૭-૧૮ ના વિકાસકાર્યોની અને વિવિધ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં આદિજાતિ ખેડૂતોને તાડપત્રી સહાય, હોર્ટીકલ્ચર યોજનાઓ, ખેતીની જમીન લેવલિંગ, પશુપાલનમાં જંતુનાશક-કૃમિનાશક દવાઓ, પશુપાલકોને દૂધ મંડળીની સહાય, ફળાઉ ઝાડોનું વનીકરણ, સામૂહિક જૂથ કૂવાઓ, બોરવેલ સહાય, બહેનો માટે એમ્બ્રોઇડરી અને સીવણ કલાસ, સી.સી.રોડ અને પેવર બ્લોક જેવા વિવિધ એકમોમાં નાણાની ફાળવણી કરી તાલુકાનું વિકાસલક્ષી આયોજન કરવામાં આવ્યું હતું.
પાછલા ત્રણ વર્ષ દરમિયાન ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં મંજૂર કરવામાં આવેલા વિકાસકાર્યોનો રિવ્યુ કરવાની પ્રાયોજના વહીવટદારને સુચના આપી લોકોની પ્રાથમિક સુવિધાઓને લગતા વિકાસકાર્યોને પ્રાથમિકતા આપવા પર શ્રી વસાવાએ ખાસ ભાર મૂક્યો હતો.
મંત્રીએ આગામી ૧લી મે થી ગુજરાતભરમાં પ્રારંભ થનાર જળસંચય અભિયાનમાં જોડાઈ પાણી બચાવીને આવનારી પેઢીના ઋણી બનવાની તક સાંપડી છે, ત્યારે લોકોની જીવાદોરી સમાન નદીઓને પુનર્જીવિત કરવા, વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ચેકડેમો, નદીઓ અને તળાવો ઊંડા ઉતારવાના ભગીરથ કાર્યમાં સહયોગી બનવાની ઉપસ્થિત સૌને અપીલ કરી હતી.
વસાવાએ ગામડાના છેવાડાના લોકોને સંતોષ થાય તેવું આયોજન ઘડી કાઢવા અમલીકરણ અધિકારીઓને અનુરોધ કરી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે વિકાસકાર્યોને વેગ આપવા અને લાભાર્થીઓ સુધી યોજનાકીય લાભો મળે તે જોવાની સવિશેષ જવાબદારી હોવાનું પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું. બાકી કામોની પ્રક્રિયા ઝડપથી થાય અને પ્રગતિ હેઠળના કામો ઝડપી અને સમયમર્યાદામાં પુર્ણ થાય તે અંગે સુદ્રઢ આયોજન કરવાની સૂચનાઓ આપી હતી.
બેઠકમાં પ્રાયોજના વહીવટદાર એમ.એમ.ભરાડા, માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન ગામીત, ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ દરિયાબેન વસાવા, જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન શ્યામસિંગભાઈ વસાવા, પ્રોબેશનરી આઈ.એ.એસ. ઓમપ્રકાશ સહિત વિવિધ ગામોના સરપંચો, ઉચ્ચ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY