ઉપલેટા: ઉપલેટા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ગઈકાલે પ્રમુખ તરીકે જયાબેન ડાંગર તથા નશીમાબેન સુમરાએ ફોર્મ ભરેલ હતા. પણ અન્ય કોઈ ઉમેદવારોએ ફોર્મ ના ભરતા આ ચુંટણી બિનહરીફ થયેલ હતી. જેમાં ઉપલેટા તાલુકા પંચાયતને આગવી ઓળખ આપનાર તેમજ તાલુકાના ગામડાઓમાં અસંખ્ય વિકાસના કામો કરનાર તેમજ દરેકને સાથે લઈને ચાલનારા લાખાભાઈ ડાંગરના ધર્મપત્ની જયાબેન ડાંગરને સતરે સતર સભ્યોએ સાથ આપતા પ્રમુખ તરીકે તેમના શિરે બિનહરીફ તાજ મૂકવામાં આવ્યો હતો. જ્યારે ઉપપ્રમુખ તરીકે નશીમાબેન સુમારભાઈ સુમરાની પણ બિનહરીફ વરણી થવા પામી હતી. છેલ્લી બે ટર્મથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવતાં લાખાભાઈ ડાંગર પર સંપૂર્ણ ભરોસો મૂકી ફરીથી ત્રીજી ટર્મ માટે ફરી જનતાએ પોતાનો જનાદેશ આપ્યો છે. આજે સાંજે ચાર વાગ્યે ઔપચારિકતા ખાતર વિજેતા થયાની પ્રાંત અધિકારી તુષાર જોષી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. વિજેતાઓને સત્કારવા માટે બપોરથી જ તાલુકા પંચાયત કચેરીએ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, હોદ્દેદારોથી ખીચોખીચ જોવા મળી રહ્યો હતો. કાર્યકરોએ ફટાકડા ફોડી જીતનો જશ્ન મનાવ્યો હતો. તેમજ ઉપસ્થિત ઉપલેટા- ધોરાજીના ધારાસભ્ય લલિતભાઈ વસોયા, પત્રકાર સંઘના પ્રમુખ કૃષ્ણકાંતભાઈ ચોટાઈ, ગઢાળા ગામના સરપંચ નારણભાઈ આહિર તેમજ ગામેગામથી પધારેલા સરપંચો, કાર્યકરો, આગેવાનોએ લાખાભાઈ ડાંગરને શુભેચ્છાઓ પાઠવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ના બનેએ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.


રિપોર્ટર : દિનેશ ચંદ્રવાડીયા – ઉપલેટા
9979291598 9016498309
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




