વડોદરા,તા.૧૫
વાઘોડિયા તાલુકાની દેવ નદીની આસપાસ આવેલા ગામોમાં છેલ્લા ૭ દિવસમાં ૫ પશુના મારણ કરનાર પ્રાણી દીપડો છે કે વાઘ છે, તેની ખરાઈ કરવા માટે વનવિભાગની ટીમ દેવ નદીની આસપાસના ૧૦ કિ.મી.ના વિસ્તારમાં નાઇટ વિઝન કેમેરા લગાવવાનું કામ શરૂ કરાયું. ઉલ્લેખનીય છે કે, વન્ય પ્રાણીએ ગુરુવારે વહેલી સવારે વાઘોડિયાના સાંગાડોલ ગામમાં ગાયનું મારણ કર્યું હતું, ત્યારબાદ ગ્રામજનોમાં મારણ કરનાર પ્રાણી વાઘ હોવાની વાત વહેતી થતાં લોકોમાં ભયનો માહોલ ઉભો થતાં તંત્ર એક્શનમાં આવ્યું છે.
વન વિભાગના અધિકારી વિનોદ ડામોરે જણાવ્યું કે, છેલ્લા એક અઠવાડિયાથી વાઘોડિયા તાલુકાના ફલોડ, દખેંડા, સાંગાડોલ, ગુતાલ અને મુવાડા જેવાં ગામોમાં વન્ય પ્રાણીએ વાછરડા, બકરા અને પાલતુ કૂતરાના મારણ કર્યા છે. જેથી લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. જ્યારે ગુરૂવારે વહેલી સવારે સાંગાડોલમાં વાઘ દ્વારા ગાયનું મારણ કર્યું હોવાની વાત લોકોમાં ફેલાઇ હતી. જે વાતની ખરાઈ કરવા માટે વન વિભાગની ટીમ મારણના સ્થળે પહોંચી હતી. જ્યાં વન્ય પ્રાણીનાં ફૂટ પ્રિંટ મળી આવ્યાં હતાં. જે ફૂટ પ્રિન્ટ દેવ નદીની રેતાળ જમીન સુધી પહોચ્યાં હતાં. જાકે પંજા રેતાળ જમીનમાં હોવાથી તેની ચોક્કસ સાઇઝ મેળવવી અઘરી પડી રહી છે.
મારણની જગ્યા પરથી પંજાની મળેલી છાપ દીપડાના પંજાની છાપ કરતાં થોડી મોટી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. જેના કારણે વિનોદ ડામોરે અન્ય વનઅધિકારીને આ અંગે પૂછતાં તેમને જાણવા મળ્યું કે, હ્રુષ્ટપુષ્ટ દીપડાની પંજાની સાઇઝ થોડી મોટી હોઈ શકે છે. આ પ્રકારની પંજાની છાપ અગાઉ પણ મળી હોવાનું જાણવા મળતાં વનવિભાગની ટીમ મૂંઝવણમાં મૂકાઈ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




