વડોદરા,તા.૨૩
લોકસભા ચૂંટણીને પગલે ગુજરાત ભાજપમાંથી લડવા માટે અનેક નેતાઓ ટિકિટ માટે દાવેદારી નોંધાવી રહ્યા છે. શનિવારે વડોદરા બેઠક માટે ૧૯૭૦થી આર.એસ.એસ.ના ૬૪ વર્ષીય કાર્યકર રણજીત બ્રહ્મભટ્ટે પણ ટિકિટ માગી છે. હાલ તેઓ ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ અને આણંદ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રભારી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. રણજીત બ્રહ્મભટ્ટ મચ્છુ હોનારત સમયે નરેન્દ્ર મોદી સાથે પણ કામ કરી ચુકવ્યા છે. શહેરના ગોત્રી ગામમાં રહેતા રણજીત બ્રહ્મભટ્ટે બી.કોમ. સુધીનો અભ્યાસ કર્યો છે. વડોદરા બેઠક માટે આવેલા નિરીક્ષકોને તેઓએ પોતાનો બાયોડેટા આપ્યો છે. જેમાં તેઓએ ભાજપામાં નિભાવેલી જવાબદારીની લાંબી યાદી આપી હતી.
આ અંગે રણજીત બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ખેડૂતો, કામદારો, નાના દુકાનદારો, તેમજ વર્તમાન સમસ્યાઓ વિષે દર મહિને પીએમ મોદીને પત્ર લખતો આવ્યો છું. મને કોઈ સામે વિરોધ નથી. પરંતુ, મને લોકસભાની ચૂંટણી લડવાની ઇચ્છા થઇ હોવાથી દાવેદારી નોંધાવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



