વડોદરા,તા.૨૯
વડોદરા શહેર નજીક આવેલા નંદેસરી ગામના આશાસ્પદ કોલેજીયન યુવાનનું મોડી રાત્રે અકસ્માત મોત નીપજ્યું હતું. કોલેજીયન સાંજે સયાજીગંજ ટ્યૂશન ક્લાસમાં ગયો હતો. જે મોડી રાત સુધી પરત ફર્યો ન હતો. દરમિયાન મોડી રાત્રે પોલીસને નંદેસરી ફાટક પાસેથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
નંદેસરી પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે નંદેસરી ગામમાં આવેલી ૩૭, રામનગર સોસાયટીમાં ધીરજ રમેશભાઇ દુબે (ઉં.વ.૨૩) કોલેજમાં અભ્યાસ કરે છે. તે પોતાની નવી ખરીદેલી મોર્ડન બાઇક લઇને સયાજીગંજ ટ્યૂશન ક્લાસમાં ગયો હતો. મોડી રાત સુધી તે ઘરે પરત ન ફરતા તેની નાની બહેન, પિતા સહિત સોસાયટીના રહીશોએ શોધખોળ કરી હતી. પરંતુ ધીરજનો કોઇ પત્તો મળી આવ્યો ન હતો.
નંદેસરી પોલીસે જણાવ્યું હતું કે, તેની ખરીદેલી નવી બાઇક પરથી શો-રૂમનો સંપર્ક કર્યો હતો. શો-રૂમ દ્વારા મરનારનું નામ ધીરજ દુબે મળી આવતા તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. શુક્રવારે સવારે તેના પરિવારજનો આવી પહોંચ્યા હતા. અને ધીરજને ઓળખી બતાવ્યો હતો. ધીરજ દુબેનું મોત પ્રાથમિક તબક્કે ટ્રેનની અડફેટે આવી જતા થયું હોવાનું જણાઇ રહ્યું છે. આમ છતાં આ બનાવ અંગે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






