વડોદરા,તા.૩૦
વડોદરાના પાદરાની સંતોષપુરી પોળમાં રહેતા કેતનભાઇ ગાંધીનાં ઘરે બે દિવસ પહેલા તેમના ભાણિયા શિવ ભાવેશકુમાર ગાંધી (ઉ.વર્ષ ૧૩ રહે. કાયાવરોહણ) અને દ્વારકેશ દિપકકુમાર ગાંધી (ઉ.વર્ષ ૧૪ રહે.છાણી) વેકેશન માણવા માટે મામાને ઘરે આવ્યાં હતાં. આખો પરિવાર કોઇ પ્રસંગમાં ગયો હતો, અને ઘરે બન્ને ભાણિયા ઘરે એકલા હતા. ત્યારબાદ બન્ને ભાણિયાઓ ઘરે તાળું મારીને અંબાજી મંદિર પાસેના તળાવમાં માછલીઓને લોટ ખવડાવવા ગયા હતાં. પરંતુ સાંજ પડી હોવા છતાં તેઓ ઘરે પાછા ફર્યા નહોતા. પરિવાર પણ તે વખતે ઘરે પાછો ફર્યો હતો. જેથી પરિવાર ચિંતામાં મૂકાયો હતો, અને બન્નેની શોધખોળ આદરી હતી.
બાદમાં પરિવારે પાદરા પોલીસ સ્ટેશનમાં બન્ને ભાણિયાઓ ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ કરી હતી, પરંતુ તેમની ભાળ મળી નહોતી. ત્યારબાદ ગામના અંબાજી તળાવ પાસે તપાસ કરતા બન્નેનો મૃતદેહ ત્યાંથી મળી આવ્યાં હતાં. સ્થાનિક તરવૈયાઓની મદદથી બંન્ને કિશોરના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા, અને પોલીસે તેમના મૃતદેહોને પીએમ અર્થે મોકલી આપ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




