વડોદરા,તા.૭
ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા પાંચ વર્ષનું રૂપિયા ૨૫૦૦ વેલ્ફેર ફંડ લેવાને બદલે હવે દર વર્ષે જે તેના અનુભવના વર્ષ પ્રમાણે વેલ્ફેર ફંડ લેવાના નિર્ણયનો બરોડા બાર એસોસિયેશને વિરોધ કરી આંદોલનની રણનીતિ નક્કી કરવામાં આવશે તેમ બરોડા બાર કાઉન્સિલની મળેલી પ્રથમ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું.
વડોદરા વકીલ મંડળની ચૂંટણી બાદ પ્રથમ કારોબારી બેઠક પ્રમુખ હસમુખ ભટ્ટની અધ્યક્ષતામાં યોજાઇ હતી. બેઠકમાં જ વિચારણા થઇ હતી કે ગુજરાત બાર કાઉન્સિલ અત્યાર સુધી વકીલો પાસેથી પાંચ વર્ષ માટે રૂપિયા ૨,૫૦૦નો વેલ્ફેર ફંડ મેળવતી હતી પરંતુ તાજેતરમાં જે તે વકીલના અનુભવ પ્રમાણે નક્કી કરેલા સ્લેબ મુજબ દર વર્ષે વેલ્ફેર ફંડ નક્કી કર્યું છે.
તેનો વિરોધ કરવો જાઈએ જે અંગે ચર્ચા બાદ ઠરાવ કરવામાં આવ્યો હતો કે બાર કાઉન્સિલના નિર્ણયનો વિરોધ કરી દર પાંચ વર્ષે જે રીતે વેલ્ફેર ફંડ લેવામાં આવતું હતું તે જ પ્રમાણે અથવા થોડો ફેરફાર કરી વકીલોને સરળતા રહે તે પ્રમાણે ફંડ લેવામાં આવે તે જરૂરી છે.
આ અંગે જરૂરી આંદોલન કરવાનું પણ નક્કી થયું હતું. વડોદરાની કોર્ટમાં વકીલો માટે ટેબલ-ખુરશી તેમજ પાકિંગના પ્રશ્ને રાજ્ય સરકાર વહેલી તકે નિર્ણય લે તે અંગે પણ વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત વકીલ મંડળના બંધારણમાં ફેરફાર કરવા અંગે ધારાશાસ્ત્રીની એક સમિતિ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



