વડોદરા,તા.૪
વડોદરા શહેરને એઈમ્સ મળે તે માટે મધ્ય ગુજરાતના ધારાસભ્યો પ્રયત્નશીલ હતા. આ માટે તેમણે ગુજરાત સરકારને ખૂબ રજૂઆત કરી હતી. જાકે, અંતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજકોટને એઇમ્સ ફાળવવાની જાહેરાત કરી. રાજકોટને એઇમ્સ મળવાની જાહેરાત બાદ માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, એઇમ્સ નથી મળી ત્યારે અમે હવે વડોદરામાં એઇમ્સ જેવી સુવિધાઓ મેળવીને જંપીશું. આ માટે અમારી લડત ચાલુ જ રહેશે. વડોદરા જ એઇમ્સ માટે યોગ્ય સ્થળ છે.
“વડોદરાની સયાજી હોસ્પિટલ વર્ષો જૂની હોસ્પિટલ છે. અત્યારે આ હોસ્પિટલમાં ૧૫૧૬ બેડ છે. દરરોજ ૩૭૦૦ ઓપીડી થાય છે. આ હોસ્પિટલમાં અનેક વિભાગમાં લેટેસ્ટ મશીનરી નથી. ખાસ કરીને કેન્સર અને હૃદયના દર્દીઓને સારવાર માટે અમદાવાદ અથવા મુંબઈમાં ખસેડવામાં પડે છે. ગરીબ અને મધ્યમ વર્ગ તેમજ આદિવાસી લોકોને આ સારવાર પરવડતી નથી. દર્દીઓ વધી જાય છે ત્યારે અનેક લોકોએ નીચે ઊંઘી જવું પડે છે. આ જ કારણે અમે એઇમ્સની માંગણી કરતા હતા.”
વડોદરાને એઇમ્સ ન મળ્યા બાદ હવે તેમની આગામી રણનીતિ શું રહેશે તે અંગે વાત કરતા ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું કે, “હાલ વડોદરાની અનેક સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની અનેક જગ્યાએ ખાલી છે. અમે હવે સરકાર પાસેથી આ હોસ્પિટલોમાં એઇમ્સ જેવી સારવાર મળે તે માટે રજુઆત કરીશું. અમે અહીંથી ચૂંટાઇને આવ્યો હોવાથી અમે સરકાર પાસેથી આ સુવિધા મેળવીને જ જંપીશું. આ અમારો સંકલ્પ છે.”
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



