કોઈક કારણે વધારે કાફલો હોય તો વિભાજન કરી દેવું
વલસાડ, તા.૧૫
લોકસભાની સામાન્ય ચૂંટણી-ર૦૧૯ને અનુલક્ષીને જિલ્લા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.જે.બોર્ડરએ એક જાહેરનામા દ્વારા વલસાડ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તાત્કાલિક અસરથી ર૭/૦૫/ર૦૧૯ સુધી વાહનોના કાફલા તથા ચૂંટણી પ્રચાર માટે ફરતા વાહનો ઉપર લાઉડ સ્પીકર લગાવવા બાબતે કેટલીક માર્ગદર્શક સૂચનાઓ જારી કરી છે.
આ જાહેરનામામાં જણાવ્યા મુજબ લોકસભા ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન ચૂંટણીની આચાર સંહિતાને ધ્યાનમાં રાખતા તથા નિર્વાચન આયોગની સૂચનાઓને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે તથા મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે જાહેર હિતમાં વલસાડ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઇપણ વ્યક્તિ, સંસ્થા, મંડળી કે રાજકીય પક્ષ, બીન રાજકીય પક્ષ તથા અર્ધ રાજકીય પક્ષ તથા ચૂંટણીના ભાવી ઉમેદવારો માટે તા. ર૭/૫/ર૦૧૯ સુધી કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. જે મુજબ (૧) કોઇપણ સંજાગોમાં કાર/વાહનોને ત્રણથી વધુ વાહનો જેવા કે ટેક્ષી, ખાનગી કાર, ટ્રક, ટ્રેક્ટર સાથે ટ્રેલર અને ટ્રેલર વિના, ઓટોરીક્ષા, સ્કૂટર, મોટર સાયકલ, બસ, મીની બસ, માલવાહક સાધન વગેરેને કાફલારૂપે જવા દેવાશે નહીં. કેન્દ્ર કે રાજ્ય સરકારના કોઇ મંત્રીને અથવા કોઇ અન્ય વ્યક્તિને લઇ જવાતા હોય તો પણ તે તમામ મોટા કાફલાને વિભાજીત કરવાના રહેશે. તેમ છતાં આ બાબત આવા કોઇ વ્યક્તિ સંબંધમાં આપવામાં આવેલી કોઇ સૂરક્ષા સૂચનાને આધીન રહેશે. (ર) ચૂંટણી પ્રચાર માટે ફરતા વાહનો ઉપર પરવાનગી પત્ર તથા લાઉડ સ્પીકર સાથેના વાહનો પરત્વે તેની પરવાનગી પત્ર કે જે પરવાનગી નંબર, તારીખ સહિતનો (વાહનના કાચ ઉપર લગાડેલ) હોય તો જ કાયદેસર ગણાશે. આવી પરવાનગી સક્ષમ અધિકારી દ્વારા માંગવામાં આવ્યે રજૂ કરવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે, એમ પણ વધુમાં આ જાહેરનામામાં જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



