પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વલસાડ જિલ્લાના જુજવા ગામે યોજાયેલા બહુવિધ ઉપયોગી લોકલક્ષી કાર્યક્રમના સ્થળેથી ગુજરાતના ર૬ જિલ્લાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ રૂા.૧૭૨૭ કરોડના ખર્ચે બાંધવામાં આવેલા મકાનોના ૧,૧૫,૫૫૧ લાભાર્થીઓને ઇ ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. તેમણે અત્યંત આનંદ સાથે જણાવ્યું હતું કે, બહેનો મારે માટે મોટી રાખડી લઇને આવી છે. રક્ષાબંધનનું પર્વ સાવ નીકટ છે, ત્યારે એક લાખથી વધુ પરિવારોની બહેનોને રક્ષાબંધનની વીરપસલી આપી હોય એવો સુખદ ભાવ હું અનુભવી રહયો છું. દેશની બહેનો અને માતાઓના આશીર્વાદથી મને રક્ષા કવચ મળ્યું છે તેવો ભાવ તેમણે વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ જુજવાના કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાઓના ૧૭૪ ગામો અને ૧૦૨૮ ફળિયાઓને આકરા ઉનાળા સહિત આખુ વર્ષ પીવાનું ચોખ્ખુ પાણી પુરૂ પાડવા માટેની અસ્ટોલ જુથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું. મધુબન જળાશય આધારીત આ જુથ પાણી પુરવઠા યોજના રૂા.૫૮૬ કરોડના ખર્ચે સાકાર કરવામાં આવશે. તેમણે મુખ્યમંત્રી ગ્રામોદય યોજના, અને દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ કૌશલ યોજના હેઠળ લાભાર્થીઓને રોજગારલક્ષી તાલીમના પ્રમાણપત્રો અને રોજગારીના આદેશો એનાયત કર્યા હતા. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, વન અને પર્યાવરણ મંત્રશ્રી ગણપતસિંહ વસાવા, સામાજિક, ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમારરાજય આરોગ્યમંત્રી શ્રી કિશોરભાઇ કાનાણી, રાજય આદિજાતિ વિકાસમંત્રી શ્રી રમણલાલ પાટકર, રાજય ગ્રામવિકાસ મંત્રી શ્રી બચુભાઇ ખાબડ સહિત રાજ્ય મંત્રીમંડળના સદસ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા. વિરાટ જનમેદનીએ પ્રધાનમંત્રીશ્રીને ઉમળકાભેર હર્ષનાદોથી વધાવ્યા હતા.
આ પ્રસંગે એસ.સી./એસ.ટી. એક્ટને મૂળ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરવા માટે અને ઓ.બી.સી. આયોગને બંધારણિય દરજ્જો આપવા માટે આભારની લાગણી વ્યક્ત કરવાની સાથે સંબંધિત સમાજોના આગેવાનોએ પ્રધાનમંત્રીશ્રીનું ભાવસભર અભિવાદન કર્યું હતું.
પ્રધાનમંત્રીશ્રીએ આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે ઘરની ગુણવત્તા, વીજ, ગેસ, શૌચાલય, અને પાણી પુરવઠા જેવી સગવડોનો સંવાદ કર્યો હતો, અને લાભાર્થી પરિવારો સંતાનો, અને ખાસ કરીને દિકરીઓના શિક્ષણની પૂરેપુરી કાળજી લે એવો અનુરોધ કર્યો હતો. તેમણે આવાસ યોજનાનો લાભ કોઇપણ કટકી-બટકી કે ભ્રષ્ટાચાર વગર મળ્યાની ઊંડાણપૂર્વક ખાતરી કરી હતી.
પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું કે, આખા ઘર માટે પીવાના અને વપરાશના પાણીની વ્યવસ્થા કરવાની કપરી જવાબદારી બહેનો અને માતાઓના માથે હોય છે. એટલે પાણીની વિપદા સહુથી વધુ બહેનોએ વેઠવી પડે છે. એટલે અસ્ટોલ જુથ પાણી પુરવઠા યોજનાને પણ હું બહેનોને રક્ષાબંધનની ભેટ તરીકે મૂલવું છું. ભાઇનું કર્તવ્ય પુરૂ કર્યાનો મને ઊંડો આનંદ છે.
પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઉમરગામથી અંબાજી સુધીની પૂર્વપટૃીના તમામ ગામો અને ઘરોને નળ દ્વારા પીવાનું પાણી પુરૂ પાડવાનો મેં સંકલ્પ કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા આ સંકલ્પ સાકાર કરવામાં આવી રહયાનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો.
ગુજરાતના ગિરના જંગલોમાં ચૂંટણી પંચ દ્વારા માત્ર એક મતદાતા માટે આખેઆખુ મતદાન મથક ઊભુ કરવામાં આવે છે, તેનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું કે, આ ઘટનાની આખી દુનિયા નોંધ લે છે. તે જ પ્રમાણે અસ્ટોલ જુથ પાણી પુરવઠા યોજના હેઠળ ર૦૦ માળના મકાન જેટલી ઊંચાઇએ ડુંગર ઉપર આવેલા ગામને પાણી પહોંચાડવાનો પ્રબંધ કરવામાં આવ્યો છે. નદીને ડુંગર ઉપર પહોંચાડવા જેવો આ ટેકનોલોજીકલ ચમત્કાર એક આદિવાસી ગામને પાણી પુરૂ પાડવા માટે રાજ્ય સરકારે કર્યો છે. લોકો પ્રત્યેની આ અસાધારણ સંવેદનશીલતાની નોંધ લેવી જરૂરી છે.
પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું કે, એકથી દોઢ વર્ષમાં દેશના પ્રત્યેક ઘરને વીજ જોડાણ ઉપલબ્ધ કરાવવાનું કામ પુરૂ કરાશે. અમે ઉજાલા યોજના દ્વારા લોકોના ઘરનો અંધકાર નિવાર્યો છે. શૌચાલય, પાણી, રાંધણગેસ, વીજળી જેવી સુવિધાઓ લોકોના જીવનમાં આમૂલચૂલ પરિવર્તન આણે છે.
પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતે મારુ પાલનપોષણ કર્યું છે. મારુ ઘડતર કર્યું છે. તેની તાકાતથી હું દેશવાસીઓના સપના પૂરા કરવાનો પ્રયત્ન કરી રહયો છું. સન ૨૦૨૨ સુધીમાં દેશનો એકપણ પરિવાર ઘરથી વંચિત ન હોય એ મારો સંકલ્પ છે. તેમણે પૂર્વ પ્રધાનમંત્રી સદ્ગત અટલ બિહારી વાજપાઇજીને ભાવપૂર્વક યાદ કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ દેશના પ્રત્યેક ગામને રસ્તાથી જોડવાનું આયોજન કર્યું છે.
પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું કે, કટકી-બટકી કંપની બંધ કરાવી દીધી છે, એટલે સરકારી આવાસ યોજના હેઠળ હવે શ્રેષ્ઠ મકાનો બને છે. આ આવાસો કોન્ટ્રાકટરની મરજી મુજબ નહીં પરંતુ લાભાર્થીઓની જરૂરિયાતો ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. તેમણે દિલ્હીથી નીકળતો રૂપિયો આખેઆખો ગરીબોના ઘર સુધી પહોંચાડવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઇ લોકાર્પણે આખા ગુજરાતના લોકો સાથે સંવાદ કરવાની તક આપી એવી લાગણી વ્યક્ત કરી હતી, અને ગુજરાત સરકારને લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્ણન આણે એવી કામગીરી માટે અભિનંદન આપ્યા હતા.
રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વલસાડ જિલ્લાના જુજવા ગામે યોજાયેલા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના ૧,૧૫,૫૫૧ લાભાર્થીઓના પ્રધાનમંત્રીશ્રીના હસ્તે ઇ ગૃહ પ્રવેશના પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આ યોજના હેઠળ ર,૦૫,૦૦૦ મકાનો લાભાર્થીઓ માટે બનાવવાનું આયોજન કર્યું છે, અને આ સંકલ્પ ટૂંક સમયમાં પૂરો કરાશે.
મુખ્યમંત્રીશ્રીએ અનેકવિધ પ્રકારે લોકોપયોગી યોજનાઓ અમલમાં મૂકવા માટે પ્રધાનમંત્રીશ્રીને અભિનંદન આપતા જણાવ્યું કે, આપની યોજનાઓ ગરીબો માટેની સાચી લાગણી, અને ઊંડી સંવેદનશીલતાની અનુભૂતિ કરાવે છે. તેમણે દિલ્હીની દૂરંદેશીસભર પહેલનો લાભ ગુજરાતના ગરીબો, અને છેવાડાના માનવીઓને આપવા માટે પ્રધાનમંત્રીશ્રીનો હાર્દિક આભાર માન્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત સરકારે જળ દૂકાળ ભૂતકાળની વાત બની જાય તેવું સમુચિત પાણી પુરવઠાનું આયોજન કર્યું છે. તેમણે જણાવ્યું કે, અસ્ટોલ જુથ પાણી પુરવઠા યોજના ધરમપુર અને કપરાડા તાલુકાઓના વનબંધુઓને ઘરેઘેર નળ દ્વારા પીવાનું ચોખ્ખુ પાણી આપશે, અને હેન્ડપંપથી પાણી સિંચવાની વિપદામાંથી લોકોને મુક્ત કરાશે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, છેવાડાના માનવીઓ માટે રસ્તા, પાણી, વીજળી જેવી સવલતો કરવી એ રાજ્ય સરકારની પ્રાથમિક અગ્રતા છે. રાજ્ય સરકારે રૂા.૩ હજાર કરોડના ખર્ચે પાણી પુરવઠાના વિવિધ આયોજનો કર્યા છે, અને દરિયાના પાણીને પીવા-વપરાશ માટે શુદ્ધ કરવા સહિતના પરિણામદાયક પ્રબંધો કર્યા છે.
પાકુ મકાન મેળવનારા છેવાડાના લાભાર્થીઓના આશીર્વાદ પ્રધાનમંત્રીશ્રીને મળ્યા છે, એવી લાગણી વ્યક્ત કરતા શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, અમે પોલા વચનો નથી આપતા. અમે જેટલુ કરી શકીએ એટલુ જે બોલીએ છીએ. સરકાર જ બોલે છે એ કરી બતાવે છે. સન ૨૦૨૨ સુધીમાં સહુને ઘરનો સંકલ્પ દોહરાવતા તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના લાભાર્થીઓને સીધેસીધી રૂા.૧.૪૯ લાખની સહાય આપવામાં આવે છે. સહુને રોટલો અને ઓટલો આપવાનો અમારો સંકલ્પ છે.
મુખ્યમંત્રીશ્રીએ આવાસ યોજનાઓના લાભાર્થીઓને લાભો આપવા સહિત વિવિધ લોકોપયોગી આયોજન માટે ગુજરાતની મુલાકાત લેવા બદલ, રાજ્યના લોકોવતી પ્રધાનમંત્રીશ્રીનો આભાર માન્યો હતો.
દેશના ખેડૂતોના હિતલક્ષી નિર્ણય સાથે એસ.સી./એસ.ટી. કાયદામાં સુધારો કરવા સાથે, ઓ.બી.સી. આયોગને બંધારણિય દરજ્જો આપીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી, અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં
વન અધિકાર અધિનિયમ, પેસા એક્ટ, ટ્રાયબલ યુનિવર્સિટી, ટ્રાયબલ મ્યુઝિયમ, અને સમરસ છાત્રાલય જેવી અનેક નવી યોજનાઓ અમલી બનાવી છે તેમ જણાવતા વન, આદિજાતિ વિકાસ અને પ્રવાસન મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ, રાજ્ય અને રાષ્ટ્રના વિકાસની ભાવના સાથે કાર્ય કરી રહેલી રાજ્ય અને કેન્દ્ર સરકારની કાર્યરીતિની જાણકારી પણ આપી હતી.
રાજ્ય સરકારે ખાસ કરીને ઉમરગામથી અંબાજી સુધીના પૂર્વિય આદિવાસી વિસ્તારમાં હાથ ધરેલા પાણી પુરવઠાના કામોની ઝાંખી રજુ કરી રાજ્ય પાણી પુરવઠા મંત્રી શ્રી પરબતભાઇ પટેલે, રાજ્ય સરકારે છેવાડાના માનવીની જરૂરિયાતની પૂર્તિ માટે લીધેલા પગલાઓની જાણકારી આપી હતી.
પ્રાસંગિક ઉદ્બોધનમાં રાજ્ય ગ્રામ વિકાસ મંત્રી શ્રી બચુભાઇ ખાબડ એ વલસાડને આંગણે અસ્ટોલ જુથ પાણી પુરવઠા યોજના, અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ માટેની યોજનાઓની જાણકારી આપી હતી.
જુજવા ખાતે યોજાયેલા વડાપ્રધાનશ્રીના કાર્યક્રમમાં સામાજીક ન્યાય અધિકારીતા મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમાર, રાજ્ય આદિજાતિ મંત્રી શ્રી રમણલાલ પાટકર, રાજ્ય આરોગ્ય મંત્રી શ્રી કિશોર કાનાણી, નાયબ દંડક શ્રી આર.સી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મણિલાલ પટેલ, નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અમીતાબેન પટેલ, સાંસદ શ્રી સી.આર.પાટીલ,ડૉ.કે.સી.પટેલ, શ્રી મનસુખભાઇ વસાવા, શ્રી પ્રભુભાઇ વસાવા ધારાસભ્યો સર્વશ્રી ભરતભાઇ પટેલ, કનુભાઇ દેસાઇ, અરવિંદભાઇ પટેલ, નવસારીના ધારાસભ્યો સર્વશ્રી નરેશભાઇ પટેલ અને પિયૂષભાઇ દેસાઇ, મહુવાના ધારાસભ્ય શ્રી મોહનભાઇ ઢોડિયા, શ્રી પૂર્ણેશભાઇ મોદી, શ્રીમતિ ઝંખનાબેન પટેલ, દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓના પદાધિકારીઓ, હોદૃેદારો, અધિકારીઓ, રાજ્યના ઉચ્ચ સનદી અધિકારીઓ, વલસાડ કલેક્ટર શ્રી સી.આર.ખરસાણ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.જી.ગોહિલ, પોલીસ અધિક્ષકશ્રી, સહિત પાણી પુરવઠા બોર્ડ, અને ગ્રામ વિકાસ વિભાગના અમલીકરણ અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




