દર વર્ષે પાંચ હજાર વૃક્ષોનું વાવેતર કરવા લગ્ન પ્રસંગે પ્રતિજ્ઞા કરાશે
વલસાડ, તા.૮
વનોથી આચ્છાદિત વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અન મહારાષ્ટ્રને અડીને આવેલા ડુંગરની ટળેતીમાં વસેલા ખોબા ગામમાં એક દશકાથી વધુ સમયથી સમાજસેવાની ધૂણી ધખાવનાર નિલમ પટેલ તા.૧૦ મી મેના રોજ લગન્ગ્રંથીથી જાડાવા જઇ રહયા છે. સમાજ કલ્યાણકારી પ્રવૃત્તિઓની કદર અને આદરના કારણે સરકારી- બિન સરકારી સંસ્થાઓ દ્વારા એવોર્ડ સન્માન પ્રાપ્ત થયા છે. આવા સમાજ સેવકના લગ્ન પણ સમાજ ઉપયોગી સાથે સમાજને સંદેશો આપનારો બની રહે તેવું અનોખી રીતે કરવાનું આયોજન કર્યુ છે.
નિલમ પટેલના લગ્ન તેમના વતન ગુંદલાવ મુકામે યોજાશે. તેઓ અટગામ ભોંયાવાડના વતની શ્રી ધીરૂભાઇ છોટુભાઇ પટેલની સુપુત્રી ચિ.વૈશાલી સાથે લગન્ગ્રંથી થી જોડાશે. આ લગ્ન પ્રસંગે મળનારી ભેટ સોગાદ કે રોકડ રકમનો ઉપયોગ લોક મંગલમ વિદ્યાપીઠ- ખોબા, જ્ઞાન ગંગોત્રી વિદ્યાલય-કેળવણી, જ્ઞાન સરિતા વિદ્યાલય- બામટી, જ્ઞાન સાગર વિદ્યાલય -ખટાણા વગેરે શૈક્ષણિક સંસ્થાઓમાં કરશે.
અહીં ઉલ્લેખનીય છે કે, નિલમ અને વૈશાલીની સગાઇમાં મળેલી ભેટ સોગાદ અને રોકડ રકમ લોક મંગલમ વિદ્યાપીઠ- ખોબાના વિદ્યાર્થીઓના લાભાર્થે અર્પણ કરી ઉમદા ઉદાહરણ પુરૂ પાડયું છે.
લગ્ર વિધિના સાત ફેરામાં સાદગીભર્યુ,કરકસરયુકત અને સમાજ સમર્પિત જીવન જીવવા, જળ- જમીન અને જંગલનું તન-મન ધનથી જતન કરવા, દરવર્ષે પાંચ હજાર વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણની જાળવણી કરવા, સ્વચ્છતા ત્યાં પ્રભુતાને જીવનમંત્ર બનાવવા, સમાજને વહેમ-અંધશ્રધ્ધા-વ્યસન જેવા દુષણોમાંથી મુકત કરવા જન જાગૃતિ ફેલાવવા, બેટી બચાવો – બેટી પઢાવોને પ્રોત્સાહિત કરવા, ગાંધી વિચાર-મૂલ્યોનો પ્રચાર- સમાજ ઉત્થાન માટે અનેકવિધ પ્રવૃત્તિ કરવાની પ્રતિજ્ઞા લેશે.
આ લગ્ન મહોત્સવમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમો રજુ કરાશે. લગ્ન પ્રસંગોની ઝાકમઝોળ વચ્ચે ગાંધી વિચારધારાને સમર્પિત થયેલા નિલમ પટેલનો લગન્ પ્રસંગ સમાજ માટે દીવાદાંડી રૂપ બની રહેશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





