આદર્શ બુનિયાદી ગુજરાતી કન્‍યા શાળાનો શતાબ્‍દિ મહોત્‍સવ યોજાયો

0
12

નવાનિર્માણ થનાર શાળાના મકાનનું ભૂમિપૂજન કરતા આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકર

વલસાડ જિલ્‍લ્લાના ઉમરગામ તાલુકાની એકમાત્ર કન્‍યાશાળા આદર્શ બુનિયાદી ગુજરાતી કન્‍યાશાળાના ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં શાળાનો શતાબ્‍દિ મહોત્‍સવ વન અને આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરની અધ્‍યક્ષતામાં યોજાયો હતો. આ અવસરે શાળાના નવા નિર્માણ થનારા મકાનનું મંત્રીના હસ્‍તે ભૂમિપૂજન કરાયું હતું.

આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે કન્‍યાશાળાએ ૧૦૦ વર્ષ પૂર્ણ કરતાં શતાબ્‍દિ મહોત્‍સવ ઉજવવાના કાર્યક્રમને શુભેચ્‍છા પાઠવતાં જણાવ્‍યું હતું કે, ઉમરગામ તાલુકા માટે આ શાળા એક ઘરેણું સમાન છે, આ શાળામાં અભ્‍યાસ કરીને આગળ આવેલા આગેવાનોએ તેમની કદર કરી પોતાની ફરજ સમજી શાળાના વિકાસમાં યોગદાન આપે તે જરૂરી છે. આ શાળાના જર્જરિત મકાનની જગ્‍યાએ ૧૧ ઓરડા નવી ડિઝાઇન પ્રમાણે બનાવાશે, ત્‍યારે શાળાના બાળકો ખૂબ જ આનંદથી ભણશે. રાજ્‍ય સરકાર દ્વારા થઇ રહેલા વિકાસકાર્યોના અમલમાં સંબંધિત ગામના નાગરિકની જવાબદારી બનતી હોવાનું જણાવી કામગીરી યોગ્‍ય રીતે અને નિયમાનુસાર થાય છે કે નહીં તે માટે સતત જાગૃતતા રાખવા અનુરોધ કર્યો હતો. વલસાડ જિલ્લામાં આગામી સમયમાં થનારા વિકાસકાર્યો તેમજ આરોગ્‍યલક્ષી સેવાઓની રૂપરેખા આપી હતી. રાજ્‍ય સરકાર સતત વિકાસશીલ રહી છે અને રાજ્‍યના દરેક બાળકોને સારું શિક્ષણ અને માળખાકીય સુવિધા મળે તે માટે સતત પ્રયત્‍નશીલ છે, તેમાં ગ્રામજનો સરકારની વ્‍યવસ્‍થામાં તેમજ શાળાના વિકાસમાં આપણું યોગદાન હોવું જોઇએ.

સર્વશિક્ષા અભિયાન હેઠળ વર્તમાન વર્ષમાં ૧૦૩૩ ઓરડાઓની વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે, જેનું કાર્ય ટૂંક સમયમાં પૂર્ણ કરશે. જ્‍યારે આગામી વર્ષમાં આદિજાતિ વિકાસ યોજના હેઠળની ગ્રાન્‍ટમાંથી ૧પ૭પ અને સર્વશિક્ષા અભિયાન અંતર્ગત બનાવવામાં  આવનાર ઓરડાઓ મળી ઉમરગામથી અંબાજી સુધીના આદિજાતિ વિસ્‍તારોના બાવન તાલુકાઓમાં ચાર હજાર કરતાં વધુ ઓરડાઓ બનાવવાનું આયોજન રાજ્‍ય સરકાર દ્વારા કરાયું હોવાનું મંત્રીએ વધુમાં જણાવ્‍યું હતું.

આચાર્યા માલતીબેન અહિરેએ ૧૯૧૮માં શરૂ થયેલી શાળાની શાળાના ૧૦૦ વર્ષના સફરની રૂપરેખા આપી શાળાના વિકાસમાં સહભાગી થયેલા સૌનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. જનતાનું દુઃખ સમજી તેના નિવારણ માટે માટે હંમેશા તત્‍પર રહેતા જનપ્રતિનિધિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકર અભિનંદનને પાત્ર હોવાનું તેમણે વધુમાં જણાવ્‍યું હતું.

આ અવસરે ઉમરગામ તાલુકા શિક્ષણાધિકારી પ્રિતીબેન, નગરપાલિકા પ્રમુખ રામશબદ સિંહ, મામલતદાર ગુલાબભાઇ ગામિત, શાળાના આચાર્યા માલતીબેન  અહિરે, દાતાઓ, ડો.શામાબેન ગાંધી, લાયન્‍સ કલબના પ્રમુખ ગણેશભાઇ બારી, અગ્રણી મુકેશમાઇ પટેલ, તાલુકા બીટ નિરીક્ષક નરેન્‍દ્રભાઇ ટંડેલ, તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખ મુકેશભાઇ બારી, વડીલ અને શાળાના પૂર્વ આચાર્યા કૌશિકાબેન, શાળા પરિવાર, વિદ્યાર્થીનીઓ, નગરજનો હાજર રહયા હતા.

આર્ટ ઓફ લિવિંગ દ્વારા શાળાની ૩પ૬ બાળાઓને સ્‍વેટર અર્પણ કરાયા હતા.પ્રાથમિક શાળાની બાળાઓએ સ્‍વાગત અને પ્રાર્થના, સ્‍વચ્‍છતા ગીતો રજૂ કર્યાં હતાં.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની શિક્ષિકા વિભૂતિબેને કર્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY