સુરત તાપી નદી તટે તા.૧૩’એ ૧૦૦૮ કુંડીય સૂર્યયોગ પૂર્વે ધજારોહણ કરાયું

0
9

યજ્ઞકાર્ય પ્રારંભ માટેનું ધજારોહણ ધર્માચાર્ય પરભુદાદાના હસ્તે કરાયું
વલસાડ, તા.૪
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં આવેલું પ્રગટ પ્રગટેશ્વર ધામ કે જે ભક્તિધામના નામે ઓળખાય છે, તેના ધર્માચાર્ય પરભુદાદા તેમજ ગુરુમાતા રમાબાના સાંનિધ્યમાં તા.૧૩મી જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ મોટા વરાછા, અબ્રામા, સૂરતના પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ ખાતે ૧૦૦૮ કુંડી સૂર્યયાગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞકાર્ય પ્રારંભ માટેનું ધજારોહણ આજે તા.૩જી જાન્યુઆરીના રોજ ધર્માચાર્ય પરભુદાદાના સાંનિધ્યમાં યજ્ઞ સ્થળે કરવામાં આવ્યું હતું.
આ બાબતે જાણકારી આપતાં પ્રમુખ બિપીનભાઇ પરમાર-નવસારી, મંત્રી ગોપાળભાઇ પટેલ, આચાર્ય કશ્યપભાઇ જાની અને અનિલભાઇ જાષીએ જણાવ્યું છે કે, જ્યોતિષવિદ્યા અનુસાર ભગવાન સૂર્ય શક્તિ, સત્તા, સ્થિતિ, જીવનશક્તિ અને પિતા સાથેના સંબંધનું પ્રતીક છે. સૂર્યને દિનકર, માસ્કર અને ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. રાજસૂર્ય યજ્ઞ વૈદિક ધર્મની પરંપરા છે. યજ્ઞ ભગવાન શિવને સમર્પિત છે. આવા યજ્ઞો પ્રાચીન સમયમાં ભગવાન શ્રીરામ, રાજા હરિંદ્ર, શ્રી ધર્મરાજ તેમજ ૠષિમુનિઅો, રાજગુરુઅો દ્વારા થતા હતા. ભગવાન સૂર્ય આત્માનું પ્રતિનિધિત્વ કરે છે અને તમામ પ્રસંગોના સાક્ષી તરીકે પણ માનવામાં આવે છે. જેના વિવિધ ફાયદાઓ સફળતા, નામ, ખ્યાતિ, વ્યક્તિત્વ મેળવવાની સાથે સારું આરોગ્ય પણ પ્રાપ્ત થાય છે. સૂર્ય સવારે બ્રહ્મા, બપોરે રૌદ્ર અને સાંજે વિષ્ણુનું સ્વરૂપે હોય છે. સૂર્યના દોષોનો ઉપચાર કરવામાં કારગત નીવડે તે હેતુથી એક પિતા સબ પરિવારના સૂત્રને સાર્થક કરનાર અને માનવ હૃદયમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસની જ્યોત અખંડ રહે તે માટે લોકકલ્યાણના હેતુથી પ્રગટ પ્રગટેશ્વરધામ આછવણીના ધર્માચાર્ય પરભુદાદા તથા રમાબાના સાંનિધ્યમાં વિવિધ દેવી દેવતાઓને માનતા યજ્ઞો કરવામાં આવે છે.
યજ્ઞના પ્રારંભ પહેલાં તા.૧૨મી જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ બપોરે ૩-૦૦ કલાકે શોભાયાત્રાનું આયોજન પણ કરાયું છે. તા.૧૩મી જાન્યુઆરીએ મળસ્કે ૩-૦૦ વાગે દેહશુદ્ધિના કાર્યક્રમ બાદ ૪-૦૦ વાગે ધર્માચાર્ય પરભુદાદાના હસ્તે દીપપ્રાગટ્ય કરી યજ્ઞનો શુભારંભ કરવામાં આવશે. આ યજ્ઞની પૂર્ણાહુતિ સવારે ૧૧-૦૦ કર્યા બાદ ૧૧-૩૦ વાગે મહાપ્રસાદનું આયોજન પણ કરાયું છે. આ યજ્ઞમાં ઉપસ્થિત રહી ભગવાન સૂર્યના આશીર્વાદ મેળવવા પ્રગટ પ્રગટેશ્વર સેવા સમિતિ, આછવણી તેમજ સમગ્ર શિવપરિવાર દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY