વિકાસલક્ષી યોજનાઓની જાણકારી આપતા સામાજિક મંત્રી ઈશ્વરભાઈ પરમાર
વલસાડ, તા.૬
મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતિ વર્ષ ઉજવણી નિમિત્તે અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ તેમજ અન્ય પછાતવર્ગના લોકોને સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઅોની જાણકારી આપવાના હેતુસર સમાજ કલ્યાણ શાખા જિલ્લા પંચાયત, વલસાડ દ્વારા આયોજિત યોજનાકીય સેમિનાર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પરમારની અધ્યક્ષતામાં ડૉ. આંબેડકર ભવન, જિલ્લા પંચાયત પાસે, વલસાડ ખાતે યોજાયો હતો.
આ અવસરે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે વિકાસલક્ષી યોજનાઓની જાણકારી છેવાડાના માનવી સધી પહોંચે તે જરૂરી હોવાનું જણાવી તે માટે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા યોજવામાં આવેલા યોજનાકીય માર્ગદર્શન શિબિરની સરાહના કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને લઇ ચાલી રહેલી રાજ્ય સરકારે રાજ્યના દરેક ગામોમાં પ્રજાલક્ષી વિકાસકાર્યો કર્યા છે. ઉજ્જવલા યોજના હેઠળ ઘરે-ઘરે ગેસ કનેકશન આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો પરિચય કરાવી તેનો દરેકને લાભ લેવા અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણી અન્વયે યોજાઇ રહેલા વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓમાં સૌને ભાગ લેવા તેમજ આરોગ્ય ક્ષેત્રે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી વિમા યોજના, મા, મા-વાત્સલ્ય યોજનાઓનો જરૂરિયાતમંદોને લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમજ સેમિનાર દરમિયાન આપવામાં આવેલા યોજનાકીય સાહિત્યનો સકારાત્મક ઉપયોગ કરી તંદુરસ્ત સમાજ નિર્માણમાં ભાગીદાર થવા અને સરકારી યોજનાના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં મદદરૂપ બનવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારી દેવાંગ પી. દેસાઇએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી રાજ્ય સરકારની વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે આધારકાર્ડ અને બેન્ક ખાતાની પાસબુક જેવા દસ્તાવેજા હાથવગા રાખવા અનુરોધ કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



