વલસાડ ઈન્કમટેક્ષ વિભાગે વર્ષ ૨૦૧૭-૧૮નો રૂ.૧ હજાર કરોડનો લક્ષ્યાંક પાર કરી લીધો છે. નોટબંધી અને જીએસટી બાદ ધંધા-રોજગાર મંદ પડયા હોવાની બુમો ઈન્કમટેક્ષે પાર કરેલા લક્ષ્યાંકે બુમરેંગ સાબિત કરી છે. રૂ.૧૦૯૬ કરોડના હાંસલ કરેલા લક્ષ્યાંકમાં એકલી વાપી આઈટી કચેરીએ રૂ.૮૩૦ કરોડ મેળવ્યા હતા. સીબીડીટી (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્ષિસ) દ્વારા વલસાડ ઈન્કમટેક્ષ વિભાગને વર્ષ ૨૦૧૭-૧૮ માટે રૂ.૧ હજાર કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. આ વિભાગમાં વાપી, વલસાડ અને નવસારી વિભાગનો સમાવેશ થાય છે. રૂ.૧ હજાર કરોડના ટાર્ગેટ સામે રૂ.૧૦૯૬ કરોડ એકત્રિત કર્યા છે. જે પૈકી વાપી વિભાગને રૂ.૭૪૪ કરોડના આપવામાં આવેલા ટાર્ગેટ સામે નાણાંકીય વર્ષાંતે રૂ.૮૩૦ કરોડનો આંકડો પાર કરી દીધો છે. આ આંકડા જોતાં નોટબંધી, જીએસટી અને જીડીસીઆર (જનરલ ડેવલોપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ)ના કારણે મંદીની ચાલેલી બુમો માત્ર બુમરેંગ સાબિત થઈ છે. એક્સિસ બેંકે ૨ હજાર કરોડનો ટેક્સ ન ભરતા વધારાના ટાર્ગેટ અપાયા હતા મળતી વિગતો મુજબ નેશનલાઈઝ બેંકો અને પ્રાઈવેટ બેંકોના કૌભાંડો તેમજ બેંકની સ્થિતિ નબળી થતાં સીબીડીટીનો ટાર્ગેટ સિદ્ધ થઈ શક્યો નથી. એક્સિસ બેંકે રૂ.૨ હજાર કરોડનો ટેક્સ નહીં ચુકવતાં તે ખાડો પુરવા માટે સીબીડીટી દ્વારા તમામ સીઆઈટી (કમિશનર ઓફ ઈન્કમટેક્ષ)ને નાણાંકીય વર્ષના અંતના દિવસોમાં વધારાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેમાં વાપી આઈટી વિભાગને વધારાના રૂ.૯૬ કરોડ ઉમેરી રૂ.૮૪૦ કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. વધારાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હોવા છતાં રૂ.૧૦ કરોડ જ ઓછા મેળવી શકાયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





