બૈજિંગ,તા.૮
દ્વિપક્ષીય સંબંધોમાં તાજેતરમાં આવેલા સુધારા બાદ ચીને ભારતનું સમર્થન માંગ્યું છે. વન-ચાઈના પોલિસીમાં માત્ર પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાને જ માન્યતા આપવામાં આવે છે.
આ પોલિસી હેઠળ તાઈવાન અથવા રિપબ્લિક ઓફ ચાઈનાને માન્યતા આપવામાં આવતી નથી. સૂત્રો મુજબ ભારતે આનો જવાબ આપતા કહ્યુ છે કે નવી દિલ્હી ચાહે છે કે ચીન ભારતના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરનારા પ્રોજેક્ટોથી દૂર રહે. આમા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના પ્રોજેક્ટ્સ અને ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરને લઈને ભારતની આશંકાઓને દૂર કરવા માટે ચીને હજી સુધી કોઈ પગલું ઉઠાવ્યું નથી. તેના કારણે ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવનો ભારત વિરોધ કરી રહ્યુ છે.
વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટપ્રમુખ સી જિનપિંગ વચ્ચે નવમી જૂને એસસીઓના સંમેલન વખતે બેઠક યોજાવાની છે. તેના પહેલા ચીને ભારતને જણાવ્યું છે કે નવી દિલ્હી દ્વારા વન ચાઈના પોલિસીનો સ્વીકાર કરવામાં આવે અને તેનાથી બંને દેશો વચ્ચે પરસ્પર વિશ્વાસ વધારવામાં ઘણી મદદ મળશે.
માનવામાં આવે છે કે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી વચ્ચે તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી પ્રધાનસ્તરીય બ્રિક્સની બેઠકની વાતચીતમાં પણ આ મામલો ઉઠ્યો હતો.
ચીન દ્વારા જમ્મુ-કાશ્મીરના રહેવાસીઓને ચીનના પ્રવાસ માટે પાસપોર્ટ પર સ્ટેપલ્ડ વીઝા જાહેર કરવાની પોલિસીના જવાબમાં ભારતે વન ચાઈના પોલિસીને માનવાનો ઈન્કાર કર્યો હતો.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




