વાંસદા, તા.૨૪
સમાજ ભવન સમાજનું મંદિર બની રહે તેવા પ્રયાસો કરવા જરૂરી હોવાનું શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ચાપલધરા વિભાગ રજપૂત સમાજના શ્રી ચંદ્રકિશોર ભવનના લોકાર્પણ અવસરે જણાવ્યું હતું. સમાજ ભવન ચાપલધરા ખાતે શિક્ષણમંત્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે, સમાજ ભવન થકી સમાજ ઉત્કર્ષનાં કાર્યો થાય તે જરૂરી છે. સમાજમાં એકતા અને અખંડિતતા જળવાઇ રહે, સમાજમાં સાક્ષરતા સાથે સમાજનો નાનામાં નાનો માણસને ઉપયોગી નીવડે તેવા કાર્યો કરવા ટહેલ કરી હતી. સમાજભવનમાં વિવિધ શૈક્ષણિક, સામાજિક લોકોપયોગી કાર્યોને પણ સામેલ કરવા જણાવ્યું હતું. મંત્રીશ્રીએ દાતાઅોની દીર્ઘદૃષ્ટિની સરાહના કરી સમાજ પ્રત્યેનું ૠણ અદા કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ અવસરે રજપૂત સમાજના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ સોલંકીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. આ અવસરે માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, જય વિરેન્દ્રસિંહ સોલંકી, ફતેસિંહજી, પૂર્વમંત્રી ખુમાનસિંહજી વાંસીયા, ગં.સ્વ. ચંદ્રકુંવરબા વાંસીયા, ડો. હિંમતસિંહજી, ઉષાબેન ચૌહાણ સહિત સમાજના વિવિધ સમિતિના પ્રમુખે અને સમાજના લોકો ઉપસ્થિત રહયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




