વાપી,તા.૫
લોક ડાયરામાં ફરી એકવાર નોટોનો વરસાદ થયો હતો. રાજ્યની આદ્યોગિક નગરી વાપીમાં ડાયરાના જાણીતા મહિલા કલાકાર ગીતાબેન રબારીના ડાયરામાં લોકોએ મન મૂકીને રૂપિયા ઉડાવ્યા હતા.
ડાયરા પ્રેમી જનતાની સાથે સાથે સાધુ સંતોએ પણ નોટો ઉડાડતા લોકો પણ ચકિત થઇ ગયા હતા. કપિલ સ્વામી દ્વારા નોટો ઉછાળી હતી. જાકે ફરી એકવાર ડાયરાની મોજમાં ઘેલા થયેલ લોકોએ લક્ષ્મીની આમાન્ય રાખવામાં ચૂક કરી હતી. જ્ઞાન માતા ઉદવા સ્કુલ દ્વારા યોજાયેલા આ લોકડાયરામાં ગુજરાતના જાણીતા લોક ગાયિકા ગીતા રબારી સહિત અન્ય કલાકારોએ ઉપસ્થિત ડાયરા રસિકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
ગરીબ આદિવાસી પરિવારોની દીકરીઓના લાભાર્થે આયોજિત ડાયરામાં વાપીવાસીઓએ ગીતા રબારી સહિત અન્ય કલાકારો પર રૂપિયાનો વરસાદ કરી યોગદાન આપ્યું હતું. આ ડાયરામાં ગુજરાતના લોક ગાયિકા ગીતા રબારી સહિત જીગ્નેશ કવિરાજ અને ઉમેશ બારોટ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ ભજન અને લોકગીતોની રમઝટ બોલાવી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ડાયરામાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રમુખ રાજ શેખાવત પણ ઉપસ્થિત રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





