વાપીની હરિયા હોસ્પિટલમાં એક કંપનીના કર્મચારીની બાયપાસ સર્જરી બાદ બેથી ત્રણ કલાક પછી અચાનક મોત થતાં પરિવારજનોએ તબીબની બેદરકારીને કારણે મોત થયાના આક્ષેપ સાથે ભારે હંગામો મચાવી દીધો હતો. પરીવારજનો અને સમાજના લોકોએ લગભગ ચારથી પાંચ કલાક સુધી વળતરની માંગણી સાથે ભારે ધાંધલ ધમાલ મચાવી દેતાં પોલીસે દરમિયાનગીરી કરી મામલો શાંત પાડયો હતો. વાપીની બાયર કંપનીમાં મેન્ટેનન્સ વિભાગમાં કામ કરતા અનિલકુમાર આર.પીલ્લાઈ (ઉ.વ.૪૬)ને હ્રદયની બિમારીને કારણે વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ગઈકાલે અનિલ પીલ્લાઈની બાયપાસ સર્જરી થઇ હતી. બાદમાં તેઓને આઈસીયુમાં ખસેડાયા હતા. લગભગ બેથી ત્રણ કલાક બાદ અનિલની તબીયત અત્યંત ગંભીર બની ગયા બાદ સારવાર દરમિયાન મોત થયુ હતું. આજે સવારે મૃતકના પરિવારજનો અને સમાજના ૧૫૦થીવધુ લોકોએ હોસ્પિટલ પર એકત્રિત થઈ ભારે હોબાળો મચાવ્યો હતો. મૃતકના પરિવારે હોસ્પિટલના તબીબની બેદરકારીને કારણે મોત થયાનો આક્ષેપ કર્યો હતો. સાથે પરિવારે કઈ રીતે બાઈપાસ સર્જરી કરી તે બતાવવા પણ માંગ કરી હતી. એકત્રિત લોકોએ વળતર ચૂકવવા અંગે પણ ભારે ધાંધલ-ધમાલ મચાવી દેતા મામલો તંગ બની ગયો હતો. ઘટનાને પગલે ઉદ્યોગનગર પોલીસના પીઆઈ સહિતનો કાફલો દોડી ગયો હતો અને પરિસ્થિતિને થાળે પાડી હતી. બાદમાં મૃતદેહને માદરે વતન કેરલા લઈ જવાયો હતો. હાર્ટ ડેમેજ સાથે ફેફ્સાની નળીમાં પ્રશર વધુ હતું હરિયા હોસ્પિટલના તબીબના જણાવ્યા અનુસાર અનિલ પીલ્લાઈને હોસ્પિટલમાં લાવાયા ત્યારે તપાસ દરમિયાન તેમનું હાર્ટ ડેમેજ સાથે ફેફસાની નળીમાં વધુ પ્રેશર હતું. બાયપાસ સર્જરી સફળતા પૂર્વક થયા બાદ પરિવારજનોને જાણકારી આપવામાં આવી હતી. સાથે દર્દી માટે ૨૪થી ૭૨ કલાક મહત્વપૂર્ણ રહેશે એમ જણાવાયું હતું. ઓપરેશન બાદ તબીયત સારી હતી પરંતુ બેથી ત્રણ કલાક બાદ અચાનક તબીયત બગડી ગયા બાદ મોત થયું હતું.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"