અંબાજી,તા.૧૯
યાત્રાધામ અંબાજીમાં સારો વરસાદ આવે તે માટે અંબાજી ૧૦૦ % બંધ રહ્યુ છે. અંબાજીના લોકોએ વન ભોજન કરી વરુણ દેવતાને પ્રાર્થના કરી છે. શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે શક્તિપીઠ અંબાજી મંદિર. ગુજરાત અને ભારત દેશનું લોકપ્રિય શક્તિપીઠ છે. આ ધામ ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર આવેલું છે. અંબાજી મંદિર પર ૩૫૮ સુવર્ણ કળશ લાગેલા છે, જેથી આ ધામ ગોલ્ડન શક્તિપીઠ તરીકે જગ વિખ્યાત છે.
શક્તિપીઠ અંબાજીના બજારો સંપૂર્ણ બંધ રહ્યા હતા. તેમજ અંબાજીના લોકોએ ઘરેથી જમવાનું બનાવી વન ભોજન કર્યું હતુ. આજે અંબાજી મંદિરમાં બનાસકાંઠા કલેક્ટર પણ હવનમાં બેઠા હતા. અંબાજીના લોકોએ પણ અંબાજીના ધર્મ સ્થાનોમા જઈ વરુણદેવને રીજવવા માટે પ્રાર્થના કરી હતી.
વહેલી સવારથી અંબાજીના તમામ બજારો સંપૂર્ણ બંધ રહ્યાં હતા. અંબાજીના જુના બજાર અને હાઇવેના તમામ બજારો આજે બંધ જોવા મળ્યા હતા. આજે તમામ વેપારીઓએ પોતાની મરજીથી દુકાનો બંધ રાખી વરસાદ સારો આવે તે માટે વરુણદેવને પ્રાર્થના કરી હતી. આ સીઝનમાં અંબાજીમાં નહીવત વરસાદ થયો છે.
જયારે ગુજરાતના વિવિધ જિલ્લાઓ માં સારો વરસાદ થતા લોકો ખેતી તરફ વળ્યાં છે. ત્યારે અંબાજીમા વરસાદ પ્રમાણમાં ઓછો થતા લોકોએ વેપાર ધંધા સંપૂર્ણ બંધ રાખ્યા હતા અને લોકો વન ભોજન કરવા વનમાં ગયા હતા. અંબાજીના સરપંચ રામાવતાર અગ્રવાલએ જાણકારી આપી હતી કે આ વખતે વરસાદ ઘણો ઓછો થયો છે અને આજે અંબાજીની જનતા વનમાં જઈ વન ભોજન કરી વરુણદેવને રીજવશે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




