પ્રભારી મંત્રી કૌશિકભાઈ પટેલે વીડિયો કોન્ફરન્સથી બેઠકમાં ભાગ લીધો
વ્યારા, તા.૮
તાપી જિલ્લામાં વ્યારા ખાતે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં તાપી જિલ્લા આયોજન મંડળ અને આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ હતી. બેઠકમાં તાપી જિલ્લા આયોજન મંડળના ૯૦૦ લાખ અને આદિજાતિ વિકાસ મંડળના ૩૬૩૬.૨૩ લાખનું આયોજન મંજુર કરાયું હતું. રાજયના મહેસૂલ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઇ પટેલે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકને સંબોધી હતી. બેઠકમાં ઉપસ્થિત પદાધિકારીઓ અને અધિકારીઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, તમામ અમલીકરણ અધિકારીઓ અને ચૂંટાયેલા પદાધિકારીઓ પરસ્પર સંકલનમાં રહી સમયમર્યાદામાં ગુણવત્તાયુકત વિકાસકામો થાય એની તકેદારી રાખે એમ જણાવી તેમણે ગ્રામીણ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, સિંચાઇનું પાણી જેવી બાબતોને અગ્રતાક્રમ આપી વિકાસકામોનું આયોજન થાય એ ઇચ્છિત બાબત છે એમ જણાવ્યું હતું.
જિલ્લા કલેકટર આર.એસ.નિનામાએ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું કે, લોકકલ્યાણલક્ષી આ કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય, મંજૂર કરવામાં આવેલા કામોને તાત્કાલિક વહીવટી મંજૂરી આપી દેવા માટે તેમણે તાકીદ કરી હતી. તેમણે વિકાસ કામોની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, પ્રગતિ હેઠળના કામોને ઝડપથી પૂર્ણ કરવામાં આવે તથા શરૂ ન થયેલા કામોને તાત્કાલિક શરૂ કરી દેવા સૂચના આપી તેમણે તમામ અમલીકરણ અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ઉચ્છલ તાલુકાનું રૂ. ૧૨૫ લાખ, નિઝર તાલુકાનું રૂ. ૧૦૦ લાખ, ડાલવણ તાલુકાનું રૂ. ૧૨૫ લાખ, કુકરમુન્ડા તાલુકાનું ૧૨૫ લાખ, વાલોડ તાલુકાનું રૂ. ૧૦૦ લાખ, વ્યારા તાલુકાનું રૂ. ૧૨૫ લાખ, સોનગઢ તાલુકાનું રૂ. ૧૫૦ લાખ, સોનગઢ નગરપાલિકાનું રૂ. ૨૫ લાખ અને વ્યારા નગરપાલિકાનું રૂ. ૨૫ લાખનું આયોજન મળી કુલ રૂ. ૯૦૦ લાખનું આયોજન મંજૂર કરવામાં આવ્યું હતું.
જયારે આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં સોનગઢ તાલુકાનું રૂ. ૯૬૨.૬૭ લાખ, વ્યારા તાલુકાનું રૂ. ૭૦૭.૩૧ લાખ, ડાલવણ તાલુકાનું રૂ. ૪૯૫.૪૬ લાખ, વાલોડ તાલુકાનું રૂ. ૩૫૮.૮૯ લાખ, ઉચ્છલ તાલુકાનું રૂ. ૪૬૦.૪૪ લાખ, નિઝર તાલુકાનું રૂ. ૨૮૮.૮૫ લાખ, કુકરમુન્ડા તાલુકાનું રૂ. ૨૮૮.૧૪ લાખ અને પ્રાયોજના વહીવટ કચેરીનો પ્રોજેકટ અમલીકરણ ખર્ચ પેઠે રૂ. ૭૪.૪૭ લાખ મળી કુલ રૂ. ૩૬૩૬.૨૩ લાખનું આયોજન મંજુર કરવામાં આવ્યું હતું.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગજરાબેન ચૌધરી, ધારાસભ્ય સર્વશ્રી મોહનભાઇ ઢોડિયા, પુનાજીભાઇ ગામીત, સુનિલભાઇ ગામીત, જિલ્લા વિકાસ અધિકારી જે.બી.પટેલ, પોલીસ અધિક્ષક એન.એન.ચૌધરી, પ્રાયોજના વહીવટદાર વિજયભાઇ પટેલ, આયોજન અધિકારી જી.એમ. પટેલ, તમામ તાલુકા પંચાયતના પ્રમુખો, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનો, આમંત્રિત સભ્યો, વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



