ન્યાયી અને મુક્ત ચૂંટણી યોજવા તંત્ર સજ્જ : નિમાયા
વ્યારા, તા.૨૭
આગામી તા. ૨૩મી, એપ્રિલના રોજ યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ દરમિયાન ચૂંટણી લડતા ઉમેદવારો તેમજ રાજકીય પક્ષોની ચૂંટણીલક્ષી માહિતી આંકડાકીય વિગતો મીડીયાને એક જ સ્થળેથી સતત મળી રહે તે માટે ભારતીય ચૂંટણી પંચની સૂચનાનુસાર જિલ્લાકક્ષાએ મીડીયા સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. જે અન્વયે જિલ્લા સેવાસદન, બ્લોક નં. ૪, બીજા માળે જિલ્લા માહિતી કચેરી ખાતે શરૂ કરવામાં આવેલ મીડીયા મોનીટરિંગ સેન્ટરની આજે ચૂંટણી અધિકારી અને કલેકટર આર.એસ.નિનામાએ રૂબરૂ મુલાકાત લઇને મીડીયા સેન્ટર ખાતે પ્રદર્શિત કરવામાં આવેલ માહિતીનું નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે નિનામાએ જણાવ્યું હતું કે, આદર્શ આચાર સંહિતાનો ચુસ્ત અને યોગ્ય અમલ કરી ન્યાયી અને મુકત વાતાવરણમાં ચૂંટણી યોજવા તંત્ર સુસજજ બન્યું છે. તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. ૨૩-બારડોલી લોકસભા બેઠકમાં સમાવિષ્ઠ સાત વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૨૧૮૭ મતદાન મથકો પરથી ૧૮,૧૩,૯૦૮ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. તેમણે કહ્યું હતું કે, આ મીડીયા સેન્ટરમાં તમામ માહિતીનો સમાવેશ કરાયો છે. આ સેન્ટરની સામાન્ય નાગરિકો પણ મુલાકાત લઇ શકશે. જેમ જેમ ચૂંટણી પ્રક્રિયા આગળ વધશે તેમ મીડીયા સેન્ટરમાં તબકકાવાર અવનવી માહિતી ઉમેરવામાં આવશે.
જિલ્લા ચૂંટણીતંત્ર અને જિલ્લા માહિતી કચેરીના સંયુકત ઉપક્રમે કાર્યરત આ સેન્ટરમાં ૨૩-બારડોલી લોકસભા બેઠકના મતદાર વિભાગના સ્ત્રી-પુરૂષ મતદારોની સંખ્યા, નોડલ અધિકારી અને ચૂંટણી અધિકારીઓના નામ-સરનામા-સંપર્ક નંબર, આદર્શ આચાર સંહિતા, લોકસભા બેઠકના ચુંટણી અધિકારીના સંપર્ક નંબર, કંટ્રોલ રૂમના નંબરો, વેબસાઇટની વિગત, મતદારોની વિગતો સહિતની રસપ્રદ માહિતી ફલેક્ષ બેનરોના માધ્યમથી પ્રદર્શિત કરવામાં આવી છે.
ચૂંટણી અધિકારીએ આદર્શ આચાર સંહિતાના ચુસ્ત અમલ સાથે ચૂંટણી નિષ્પક્ષ અને ન્યાયિક રીતે સંપન્ન થાય તે માટે પ્રિન્ટ-ઇલેકટ્રોનિક માધ્યમોમાં રાજકીય પક્ષો/ઉમેદવારો દ્વારા પ્રસિદ્ધ કરાતી જાહેરખબર અને ચૂંટણીલક્ષી અન્ય સમાચારો(પેઇડ ન્યુઝ) અહેવાલોનું સતત મોનીટરિંગ કરી પ્રચાર-પ્રસારની તમામ ગતિવિધિઓ પર નજર રાખવા માટે શરૂ કરાયેલ મીડીયા સર્ટિફિકેશન એન્ડ મોનીટરિંગ કમિટી અને ઇલેકટ્ોનિક મીડીયો મોનીટરિંગ સેન્ટરની મુલાકાત લઇ કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજકીય પક્ષો, ઉમેદવારોએ રેડિયો-ટીવીમાં જાહેરાત આપતા પહેલા આ કમિટી પાસેથી મંજુરી મેળવવાની રહે છે.
આ મુલાકાત પ્રસંગે મીડીયા સર્ટિફિકેશન એન્ડ મોનીટરિંગ કમિટીના સભ્ય સચિવ અને સહાયક માહિતી નિયામક આર.આર.તડવીએ એમસીએમસી અને ઇએમએમસી અને મીડીયા સેન્ટર ખાતે કરવામાં આવતી કામગીરીથી ચૂંટણી અધિકારીને માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે ચૂંટણી અધિકારી સાથે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી આશાબેન વસાવા, પ્રાંત અધિકારી અને એમસીએમસી કમિટીના સભ્ય તુષારભાઇ જાની, ડેપ્યુટી કલેકટર કૌશિકભાઇ જાદવ, ચૂંટણી મામલતદાર રાકેશભાઇ ડામોર, માહિતી મદદનીશ ચીમન વસાવા, ટેકનીકલ આસીસ્ટન્ટ એચ.વી.ગોહીલ, ડેપ્યુટી મામલતદાર(ચૂંટણી) અનિલભાઇ પટેલ, રિતેશભાઇ કોંકણી, માહિતી ખાતાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





