ટ્રાફિક નિયમન અંગે વાહનો ડાઈવર્ટ કરાયા
વ્યારા, તા.૯
આગામી તા. ૧૦મી, એપ્રીલના રોજ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા મુકામે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં અન્ય મહાનુભાવો તથા જાહેરજનતા પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ દરમિયાન ટ્રાફિકની કોઇ સમસ્યા ઉપસ્થિત ન થાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ તેમને મળેલી સત્તાની રૂએ તા. ૧૦મી, એપ્રીલના રોજ સવારે ૦૬ઃ૦૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી સોનગઢથી દેવજીપુરા થઇ ઘોડા ગામ તરફ જતો રોડ ભારે વાહનો માટે પ્રતિબંધિત કરી આ રોડ પરનો ટ્રાફિક સોનગઢ-ઉકાઇ-પાથરડા-ઘોડા રોડ થઇ જવા માટે ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ હુકમ આવશ્યક સેવાના વાહનો તથા ઇમર્જન્સી સેવાઓ અને આરોગ્ય વિષયક સેવાઓને લગતા વાહનો અને સરકારી વાહનો તેમજ સરકારી કામે આવન જાવન કરતા તથા કાર્યક્રમમાં ભાગ લેવા આવતા ર્પાકિંગ સ્થળે જતા વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહિં. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સજાને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



