ન્યુ દિલ્હી,તા.૨૪
અલવરમાં મોબ લિંચિંગમાં અકબર ઉર્ફે રકબરના મોત પછી સમગ્ર દેશમાં આ ઘટનાની ખૂબ ટીકા કરવામાં આવી રહી છે. આ સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા ઈન્દ્રેશ કુમાર દ્વારા વિવાદિત નિવેદન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે, જા લોકો બીફ ખાવાનું બંધ કરી દેશે તો દેશમાં મોબ લિંચિંગ રોકાઈ જશે. રાજસ્થાનમાં અલવરના ગૌ તસ્કરી આરોપમાં રકબર ખાનની હત્યા વિશે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ઈન્દ્રેશ કુમારે આવો જવાબ આપ્યો હતો.
મસ્લિમો વચ્ચે કામ કરતા આરએસએસના સંગઠન રાષ્ટ્રીય મુસ્લિમના સંરક્ષક ઈન્દ્રેશ કુમારે એવું પણ કહ્યું છે કે, મોબ લિંચિંગનું સ્વાગત ન કરી શકાય. પરંતુ લોકો બીફ ખાવાનું બંધ કરી દેશે તો આવી ગુનાહિત પ્રવૃતિઓ રોકાઈ જશે. વધુમાં તેમણે કહ્યું કે, એવો કોઈ ધર્મ નથી જે ગૌહત્યાની મંજૂરી આપે છે. ઈન્દ્રેશ કુમારે દાવો કર્યો છે કે, ઈસ્લામથી લઈને ઈસાઈ ધર્મ સુધી કયાંય ગૌહત્યા માટે જગ્યા નથી.
ઈન્દ્રેશ કુમાર સિવાય બીજેપી નેતા વિનય કટિયારે પણ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, મુસ્લિમોએ ગાયને અડતાં પહેલાં વિચાર કરી લેવો. તે આ દેશના કરોડો લોકોની ભાવનાનો પ્રશ્ન છે.
નોંધનીય છે કે, રામગઢ વિસ્તારમાં ૨૦ જુલાઈની રાતે કેટલાક લોકોએ ગૌ તસ્કરીની શંકામાં રકબર ખાનને ખૂબ માર માર્યો હતો. ત્યારપછી પોલીસ રકબરને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આરોપ છે કે, પોલીસ રકબરને હોસ્પિટલ લઈ જાય તે પહેલાં ગાયને ગૌશાળા મૂકવા ગઈ હતી. તે ઉપરાંત તેમણે રકબરને હોસ્પિટલ લઈ જવામાં ખૂબ વાર કરી દીધી હોવાથી તેનું સારવાર પહેલાં જ મોત થઈ ગયું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





