ચિત્ર પ્રદર્શન અને ગીત સંગીત તથા નૃત્યોના કાર્યક્રમ
આહવા, તા.૧૮
ડાંગ જિલ્લાને કળાક્ષેત્ર સહિત રૂપેરી પડદે પણ ગૌરવ અપાવનારા ચનખલની કલા સંસ્થા વન્ય સંસ્કૃતિ લોક સેવા ટ્રસ્ટ કલા અકાદમીના આર્ટીસ્ટ દ્વારા આગામી તા.ર૩/ર/ર૦૧૯નાં રોજ ચનખલ ખાતે ડાંગની ચિત્રકળા પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર અકાદમીના ચિત્રકાર શ્રી અનિલ પટેલ, કંચન પટેલ તથા શર્મિલા વાઘમારેના પચવે અને વારલી પેઇન્ટીંગ્સ સહિત અનિલ પટેલના સ્ક્લ્પચરની પ્રદર્શનીને સાંજે ૭ઃ૩૦ વાગ્યે આમંત્રિત મહાનુભાવોના હસ્તે ખુલ્લી મુકાશે. આ કલા પ્રદર્શની સાથે અહીં ડાંગ જિલ્લાને રૂપેરી પડદે ગૌરવ અપાવનાર મૉડેલ, એક્ટ્રેસ, ગાયિકા એવંમ્ નૃત્યાંગના મોનાલિસા પટેલ દ્વારા ભારત નાટ્યમ સહિત ડાંગી નૃત્ય, લાવણી નૃત્ય, ઘુમર નૃત્ય અને બીહુ નૃત્યની રજુઆત કરાશે. સાથે અકાદમીની લીટલ સ્ટાર સીંન્ગર સીમરન પટેલ પણ અહીં હિન્દી ફિલ્મી ગીત સહિત સુગમ સંગીતની રજુઆત કરશે. છેલ્લા દસ વર્ષથી કાર્યરત વન્ય સંસ્કૃતિ લોક સેવા ટ્રસ્ટ કલા અકાદમીની ટ્રાયબલ આર્ટ ગેલેરીમાં તા.ર૩/ર૪ ફેબ્રુઆરી, ૨૦૧૯નાં દિવસો દરમિયાન આયોજિત આ કળા પ્રદર્શની અને ગીત સંગીત તથા નૃત્યોના કાર્યક્રમને માણવા તથા કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે સૌ કળાપ્રેમીઓને આયોજકો દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



