ભારતમાં લોકસભાની ચૂંટણી આડે ઝાઝા મહિના નથી બચ્યા તેથી રાજકીય પક્ષો મચી પડ્યા છે ને એકંદરે કકળાટનો માહોલ છે. રાજકારણીઓને પોતાની વાતો કરતાં બીજાની બદબોઈ કરવામાં વધારે રસ હોય છે તેથી આપણા કાને સાવ હલકી કક્ષાની વાતો વધારે પડે છે. ચા કરતાં કીટલી ગરમ હોય એ હિસાબે રાજકીય પક્ષોના નેતાઓ કરતાં સમર્થકો વધારે જારથી કૂદાકૂદ કરે છે. નેતાઓને તો પક્ષની આબરૂ જશે એવી ચિંતા હોય છે તેથી એ લોકો તો થોડા ઘણા માપમાં રહે છે પણ સમર્થકોને એવી કોઈ શરમ જ નથી હોતી. તેના કારણે એ લોકો રીતસરનો ગંદવાડ જ ઠાલવતા હોય છે. એકદમ હલકી કક્ષાની કોમેન્ટ્સ દ્વારા છિછરી માનસિકતાનું પ્રદર્શન કરવાની હોડ જ જામી ગઈ છે. પ્રિયંકા ગાંધી રાજકારણમાં આવ્યાં એ પછી ભાજપના સમર્થકોએ તેમને અનુલક્ષીને છપ્પન ઈંચની છાતીને લગતી જે કોમેન્ટ કરી એ તેનો તાજા પુરાવો છે. ભાજપવાળા જ એવું કહે છે એવું નથી. બીજા રાજકીય પક્ષોના કાર્યકરો પણ આવી કોમેન્ટ્સ કરે છે.
આ કોમેન્ટ્સના કારણે માહોલ ખરાબ છે ને કોઈ બાજુથી સારા સમાચાર આવતા જ નથી ત્યારે રવિવારે ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલૅન્ડની ધરતી પર વન ડે સીરિઝ જીતીને તાજી હવાની લહેરખી લાવી દીધી. ન્યૂઝીલૅન્ડને પહેલી ત્રણ વન ડે મેચમાં હરાવીને સીરિઝ તો પહેલાં જ જીતી લીધી હતી પણ ભારતે અત્યાર લગી વિદેશની ધરતી પર કોઈ સીરિઝમાં આપણે ચાર વન ડે મેચો નહોતા જીત્યા. પહેલી ત્રણ વન ડે મેચોમાં આપણે ન્યૂઝીલૅન્ડને કચડી નાંખ્યું તેના કારણે સૌને એવું લાગતું હતું કે આપણે ન્યૂઝીલૅન્ડનો સાવ વાઈટવોશ કરીને ઈતિહાસ રચી દઈશું.
ચોથી વન ડેમાં આપણું ૯૨ રનમાં પડીકું થઈ ગયું તેના કારણે એ આશા તો ચકનાચૂર થઈ જ ગયેલી પણ એ છતાં ચાર વન ડે મેચો જીતીને ઈતિહાસ રચવાની આપણી પાસે તક હતી. અલબત્ત ચોથી વન ડે મેચમાં આપણે હારેલા તેના કારણે એ આશા પણ ધૂંધળી લાગતી હતી. રવિવારે સવારના પહોરમાં આપણ ટીમે બેટિંગ શરૂ કરી ને શરૂઆતમાં જે રીતે વરઘોડો કાઢ્યો તેના કારણે એ આશા મરી પરવારી હોય એવું જ લાગતું હતું. આ કડકડતી ઠંડીમાં ઉંઘવાનું સ્વર્ગનું સુખ છોડીને મેચ જાવા ઉઠેલા ને તેમાં આ હાલત થાય એટલે દિલ તો દુઃખે જ. ઘણા ક્રિકેટ રસિયા તો એટલા દુઃખી થઈ ગયેલા કે, મેચ જાવાની પડતી મૂકીને પાછા રજાઈમાં ઘોંટાઈ ગયેલા.
સદનસીબે એ વરઘોડો ચોથી વિકટ પછી અટકી ગયો ને પાછલા બેટ્સેમેને બાજી સંભાળી લીધી તેમાં સતત બીજી વાર આપણી ઈજ્જતનો ફાલુદો થતો અટકી ગયો. અંબાતી રાયુડુએ એક છેડો સાચવીને મક્કમ બેટિંગ કરી ને વચ્ચે વચ્ચે બાઉન્ડ્રી-સિક્સર ઠોકીને રન રેટને પડવા ના દીધો. વિજય શંકર ને કેદાર જાધવે સ્થિતિની નજાકત સમજીને ઝૂડાઝૂડ કરવાના બદલે શાંતિથી રમવાનું પસંદ કર્યું ને સ્કોરને ૨૦૦ રનને પાર પહોંચાડ્યો પછી હાર્દિક પંડ્યા ફરી વળ્યો. પંડ્યાએ છેલ્લી ઓવરોમાં ન્યૂઝીલૅન્ડના બધા બોલરોનો વારો પાડી દીધો પણ એસ્લે તેમાં વધારે હાથે ચડ્યો. એસ્લેની એક ઓવરમાં સળંગ ત્રણ સિક્સર ઠોકીને પંડ્યાએ આક્રમણની શરૂઆત કરી ને પછી બોલ્ટ જેવા અઘરા બોલરને પણ સિક્સર ઠોકી દીધી.
નિશમે ઓગણપચાસમી ઓવરમાં પંડ્યાને આઉટ કર્યો પણ એ પહેલાં નિશમની જ એ ઓવરમાં પંડ્યાએ બે બાઉન્ડ્રી ને એક સિક્સર ઠોકીને આપણા સ્કોરને અઢીસોની લગોલગ લાવી દીધેલો. બોલ્ટે છેલ્લી ઓવરમાં ત્રણ બેટ્સમેનને આઉટ કરીને આપણું પડીકું કરી નાંખ્યું પણ ત્યાં લગીમાં આપણે સન્માનજનક સ્કોરે પહોંચી ગયેલા. ન્યૂઝીલૅન્ડની શરૂઆત આપણા જેવી સાવ ખરાબ નહોતી પણ તેમણે નિયમિત અંતરે વિકેટો ગુમાવી. ન્યૂઝીલૅન્ડના પૂંછડિયા પણ આપણને ભારે પડ્યા ને ધાર્યા કરતાં વધારે ઝીંક ઝીલી ગયા પણ વધતા રન રેટના કારણે તેમણે છેલ્લે છેલ્લે ઝીંકાઝીંક કર્યા વિના છૂટકો નહોતો. ઠોકાઠોક કરવાની તેમણે શરૂઆત કરી તેમાં વિકેટો પડવા માંડી ને ન્યૂઝીલૅન્ડ હારી ગયું.
ભારતીય ક્રિકેટ ટીમે આ સાથે એક મહિનાના ગાળામાં આ બીજી મોટી જીત મેળવી છે. ભારતીય ક્રિકેટ ટીમે પહેલાં ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર ટેસ્ટ ને વન ડે સીરિઝમાં હાર આપેલી. ભારત આ પહેલાં કદીય ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ ને વન ડે બંને સીરિઝ નહોતું જીત્યું. વિરાટ કોહલીની ટીમે એ મહેણું ભાંગીને બંને સીરિઝ ૨-૧થી જીતીને ઈતિહાસ રચી દીધો. ન્યૂઝીલૅન્ડ ધરતી પર આપણે પહેલાં વન ડે સીરિઝ જીતેલા પણ એક સીરિઝમાં ચાર વન ડે મેચો નહોતા જીત્યા. દુનિયામાં વન ડે મેચો રમવાની શરૂઆત ૧૯૭૩થી થઈ હતી ને ત્યારથી અત્યાર લગી આપણે ઢગલાબંધ વન ડે સીરિઝ વિદેશની ધરતી પર રમ્યા હોઈશું પણ આ સિદ્ધિ નહોતી મેળવી. આ વખતે આ સિદ્ધિ પણ મેળવી લીધી ને બહુ મોટી સિદ્ધિ મેળવી.
આ પ્રકારનો રેકોર્ડ હોય ત્યારે આ બંને દેશોમાં આપણે જીતીએ ને એ પણ પ્રભાવશાળી રીતે જીતીએ ત્યારે તેની અસર ટીમના મોરલ પર પડે જ. આ બંને જીતની અસર પણ ભારતના મોરલ પર પડશે જ ને ભારતીય ટીમ જારદાર ઉત્સાહમાં હશે. ભારતીય ટીમમાં એ આત્મવિશ્વાસ હશે જ કે, આપણે ઓસ્ટ્રેલિયા ને ન્યૂઝીલૅન્ડ જેવી ટીમોને તેની ધરતી પર હરાવી શકતા હોઈએ તો ઈંગ્લેન્ડની ધરતી પર તો તેમને મસળી જ નાંખીએ. ન્યૂઝીલૅન્ડ ને ઓસ્ટ્રેલિયાની ટીમો પોતાની ધરતી પર કોઈને ગાંઠતી નથી ને ભલભલી ટીમોને ભૂ પીતી કરી દે છે. તેમને આપણે હરાવી શકતા હોઈએ તો બીજી ટીમોની તો શું વિસાત એવો આત્મવિશ્ર્વાસ પણ તેમનામાં પેદા થશે જ. આ જીતના કારણ બીજી ટીમોમાં પણ ફફડાટ ફેલાયો જ છે ને તેની અસર વર્લ્ડકપ પર પડશે જ.
વર્લ્ડકપ જેવી મોટી ટુર્નામેન્ટસમાં મેદાન પર ક્રિકેટના કૌશલ્યની સાથે સાથ માનસિક લડાઈ પણ લડાતી હોય છે. આ માનસિક લડાઈમાં હવે ભારતનો હાથ ઉપર હશે એ કહેવાની જરૂર નથી. ભારત માટે મહત્વની વાત એ છે કે, આપણે આ બંને સીરિઝ કોઈ એક ખેલાડીના જારે નથી જીત્યા પણ ટીમના પ્રયત્નોથી જીત્યા છીએ. આપણા બેટ્સમેને ધોળકું ધોળ્યું ત્યારે આપણા બોલરો ચાલ્યા છે ને બોલરો ઝૂડાયા હોય ત્યારે બેટ્સમેને સારો દેખાવ કરીને બાજી સંભાળી છે. એકંદરે આપણે બધા વિભાગમાં બહેતર સાબિત થયા ને તેના કારણે જીત્યા છીએ. આ કારણે ન્યૂઝીલૅન્ડ ને ઓસ્ટ્રેલિયા જેવી ટીમો આપણી સામે રમવા ઊતરશે ત્યારે તેમના મનમાં આપણા દરેક ખેલાડીથી છૂપો ફફડાટ હશે ને તેનો લાભ આપણને મળશે. ભારતીય ક્રિકેટ ટીમને હવે હળવાશથી લેવાની કોઈ ભૂલ નહીં કરે.
ભારતીય ક્રિકેટ ટીમે હજુ ન્યૂઝીલૅન્ડ સામે ત્રણ ટી ૨૦ મેચો રમવાની છે ને એ પછી ઓસ્ટ્રેલિયાની ટીમ અહીં પધરામણી કરશે ત્યારે આપણે તેની સામે વન ડે શ્રેણી રમવાના છીએ. ટૂંકમાં હવે આપણી પાસે આત્મવિશ્ર્વાસ મેળવવા માટે વધારે સમય નથી ને એ પહેલાં જ આપણે જીતીને એ મેળવી લીધો છે. આપણી ટીમે કપિલદેવના નેતૃત્વમાં ઈંગ્લેન્ડમાં ૧૯૮૩માં પહેલી વાર વર્લ્ડકપ જીતેલો, વિરાટની ટીમ ઓસ્ટ્રેલિયા ને ન્યૂઝીલૅન્ડની ધરતી પર મેળવેલી જીતનો સિલસિલો ચાલુ રાખીને તેનું પુનરાવર્તન કરે એવી આશા રાખીએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



