પરીક્ષામાં ૨૭ કાપલી સાથે પકડાયેલા પુત્રને લઇને ભાજપ અધ્યક્ષે કરી સ્પષ્ટતા
ભાવનગર,તા.૨૯
ભાવનગર યુનિર્વિસિટીની પ્રથમ સેમેસ્ટરની એટીકેટીની પરીક્ષામા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના પુત્ર ચોરી કરતા પકડાઈ જતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનામાં ભારે હોબાળા બાદ જીતુ વાઘાણીના દિકરા મીત મામલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરવી પડી હતી.
જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, નિયમ અને કાયદો તમામ માટે સમાન હોય છે. જેથી આજથી મારો પુત્ર મિત પરીક્ષા આપવા નહીં જાય. બનેલી ઘટના ખુબ ગંભીર છે. જેના લીધે અમારા પરિવારે નક્કી કર્યું છે કે તે આગામી પરીક્ષાઓ આપવા નહીં જાય.
આ અંગે યુનિ.ના સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભાવનગર યુનિ.ની પ્રથમ ચરણની પરીક્ષાનો મંગળવારથી આરંભ થયો હતો. યુનિ.ની પ્રથમ ચરણની પરીક્ષામાં યુ.જી. સેમેસ્ટર-૧, ૩ અને- ૫ના એટીકેટીના છાત્રો પરીક્ષા આપી રહ્યા છે. પ્રથમ ચરણની પરીક્ષામા ૧૦ હજાર છાત્ર નોંધાયા છે , પ્રથમ ચરણની પરીક્ષા અંતર્ગત શહેરની સ્વામિ વિવેકાનંદ કોલેજના છાત્ર મીત જીતુભાઈ વાઘાણી એમ.જે.કોલેજ ઓફ કોમર્સમાં સીટ નંબર-૨૧૨૧૦૦૬૬ પરથી બી.સી.એ. સેમેસ્ટર-૧ની પરીક્ષા આપી રહ્યા હતા. તેઓ બીસીએ સેમેસ્ટર-૧ની પરીક્ષાની ઉત્તરવહીમાં ૨૭ પાનની માઈક્રો ઝેરોક્ષમાંથી લખતો હતો. મીત વાઘાણીને ઉત્તરવહીમાં કોપી કરતા હોવાનુ એમ.જે. કોલેજ ઓફ કોમર્સના બ્લોક સુપરવાઈઝરના ધ્યાન પર આવતા કોપીકેસ કર્યો હતો.
પ્રદેશ ભાજપ અધ્યક્ષનો પુત્ર ચોરી કરતા પકડાયાના અહેવાલો વહેતા થયા બાદ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. ઘટનાના પગલે એનએસયુઆઈના છાત્ર નેતાઓ વી.સી.ને મળવા પહોચી ગયા હતા.અને તેઓએ તટસ્થ તપાસ કરવાની માંગણી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



