અમદાવાદ,
તા.૫/૪/૨૦૧૮
પેપર લીક કરનારાઓને ચેતવણી…
સીબીએસઇ બોર્ડ દ્વારા તાજેતરમાં જ બનેલા ધો.૧૦ અને ધો.૧રના પેપર લીક થવાને પગલે વધુ ચોકસાઇપૂર્વકનાં પગલાં લેવાનું નક્કી કરાયું છે. આગામી શૈક્ષણિક વર્ષ-ર૦૧૯-ર૦માં લેવાનારી સીબીએસઇ ધો.૧૦ અને ધો.૧રની પરીક્ષાનાં પેપરો હવે પરીક્ષાનાં સેન્ટર પર મોકલવામાં આવશે નહીં.
પરીક્ષાના નિયત કરેલા સમયે પહેલાં જે તે શાળા સંચાલકોને હવે બોર્ડ દ્વારા ડિજિટલ પેપર મોકલવામાં આવશે. જેમાં પાસવર્ડનો ઉપયોગ કરીને પરીક્ષા પેપર ડાઉનલોડ કરીને પ્રિન્ટ લઇને સીધા જ વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં આપવાનાં રહેશે. જેથી આગામી વર્ષથી હવે પ્રિન્ટેડ પ્રશ્નપત્રોની હેરફેર અટકી જશે અને ડિજિટલ પેપર શાળાઓને મળશે.
પેપર લીક થવાને કારણે સીબીએસઇ બોર્ડની પરીક્ષા અંગેની તૈયારીઓ પર પ્રશ્નાર્થ સર્જાયા હતા. આગામી વર્ષે હવે લીક પ્રૂફ પ્લાન અમલી થશે જેમાં ડિજિટલી એન્ક્રિપ્ટેડ ફાઇલના માધ્યમથી પરીક્ષા કેન્દ્ર પર પ્રશ્નપત્ર પહોંચાડવામાં આવશે. ત્યાર બાદ શાળા સંચાલકોએ તેમને સોંપવામાં આવેલા સ્પેશિયલ લોગ ઇન આઇડી દ્વારા એન્ક્રિપ્ટેડ ફાઇલ ડાઉનલોડ કરવાની રહેશે.
ફાઇલમાં મોકલવામાં આવેલા પ્રશ્ન પેપરને સીસીટીવી સર્વેલન્સ હેઠળ ડાઉનલોડ કરવાનું રહેશે અને ત્યાર બાદ તેની પ્રિન્ટ કોપી કાઢીને સીધું જ પેપર પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે. જેથી પેપર લીક થવાની ઘટનાઓ બનવાની શકયતા નહિવત થશે.
આ પહેલાં પ્રશ્નપત્ર એક જ સ્થળેથી પ્રિન્ટ થઇને અંદાજે સાત જેટલા તબક્કામાંથી પસાર થઇને પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓ સુધી પહોંચાડતાં હતા. જે હવે સીધા જ વિદ્યાર્થીઓ સુધી પહોંચશે તેથી લીક થવા બાબતે બ્રેક લાગશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"