બેઈજિંગ,તા.૧૧
ચીનના એક નિષ્ણાતે પોતાના દેશની વિવાદાસ્પદ ‘કુટુંબ નિયોજન’ની નીતિનો અંત આણવાની હિમાયત કરતા જણાવ્યું હતું કે ચીનની સરકારની ‘એક દંપતી દીઠ એક બાળકની’ નીતિને કારણે ૨૦૫૦ સુધીમાં ચીનની વસતિ ભારતની કુલ જનસંખ્યાના ૬૫ ટકા થઇ જશે.
ચીને દંપતીને એક જ બાળક કરવાની પરવાનગી આપતી દાયકાઓ જૂની નીતિ ૨૦૧૬માં બંધ કરાવી હતી. ચીનમાં વૃદ્ધોની સંખ્યામાં થયેલા વધારા અને યુવાનોની વસતિમાંના ઘટાડાને લીધે સરકારે દંપતીઓને બે બાળક કરવાની પરવાનગી આપી હતી. ચીનમાં ૨૦૧૬ના અંત સુધીમાં ૬૦ વર્ષ કે તેથી મોટી વયના લોકોની સંખ્યા ૨૩.૦૮ કરોડ થઇ હતી. આ વસતિ દેશની કુલ જનસંખ્યાના ૧૬.૭ ટકા હતી.
જો દેશની કુલ વસતિમાં અંદાજે ૧૦ ટકા કે તેથી વધુ લોકો ૬૦ વર્ષ કે તેથી વધુ વયના હોય તો આંતરરાષ્ટ્રીય ધોરણ મુજબ તે દેશ કે પ્રદેશને ‘વૃદ્ધોનો સમાજ’ ધરાવતો ગણાય છે.
અમેરિકાની વિસ્કોન્સીન-મેડિસન યુનિવર્સિટીમાંના મૂળ ચીનના નિષ્ણાત યી ફુઝિયાને જણાવ્યું હતું કે ચીનમાં ઓછી ફળદ્રુપતાવાળા લોકો કે વૃદ્ધોની સંખ્યા વધી રહી હોવાથી તેની આર્થિક વિકાસ પર પણ માઠી અસર થઇ શકે છે. ચીને પોતાના દેશમાંના સામાજિક માળખામાં મોટા પાયે ફેરફાર કરવાની જરૂર છે અને તેમાં પણ કુટુંબ નિયોજનની નીતિ બંધ કરાવવાની સૌપ્રથમ આવશ્યકતા છે.
ચીને ૧૯૭૯માં એક પરિવાર દીઠ એક બાળકની નીતિ દાખલ કરી હતી અને ૨૦૧૬ના જાન્યુઆરીમાં તેને સ્થાને બે બાળકની નીતિ શરૂ કરાવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



