ટોલ ફ્રી નંબર ૧૯૫૦ પર ૫૯૪૩ નાગરિકોએ મતદાર યાદીમાં સમાવેશ સહિત
વિવિધ મુંઝવણોનું માર્ગદર્શન મેળવ્યું
કુબેર ભવનમાં કાર્યરત ડિસ્ટ્રીકટ કોન્ટેકટ સેન્ટર મતદારોને ઉપયોગી બની રહ્યું છે
વડોદરા તા. ૧૫ માર્ચ, ૨૦૧૯ (શુક્રવાર) જિલ્લા ચૂંટણી અધિકારી મતી શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ કુબેર ભવનના બીજા માળે ડિસ્ટ્રીક્ટ કોન્ટેકટ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. જે મતદારોને માર્ગદર્શન બનવાની સાથે આદર્શ આચાર સંહિતાના ચુસ્ત અમલીકરણમાં જિલ્લા ચૂંટણી તંત્રને ડિજીટલી મદદરૂપ થઇ રહ્યું છે. આ સેન્ટરને મુખ્યત્વે ટોલ ફ્રી નં.૧૯૫૦ પર મળતા નાગરિકોના ફોન કોલ્સનો પ્રત્યુત્તર આપીને મુખ્યત્વે મતદાર યાદી સાથે સંકળાયેલી બાબતોમાં માર્ગદર્શન આપવાનું તેમજ ભારતના ચૂંટણી પંચની એક નવિન પહેલ સમાન અને આદર્શ આચાર સંહિતાના અમલીકરણ માટેની તકેદારીને ડિજીટલ યુગમાં લઇ જતી cVigil(સીવીજીલ) એપના અમલીકરણની જવાબદારી સોંપાઇ છે. ભૂસ્તરશાસ્ત્રી નિરવ બારોટના વડપણ હેઠળ કાર્યરત આ સેન્ટર ૩૦ જેટલી ફ્લાઇંગ સ્કવોર્ડસ સાથે સંકલન સાધીને આચાર સંહિતા વિષયક ફરિયાદોમાં એકસો મીનીટમાં તંત્રનો યોગ્ય પ્રતિભાવ મળે એ પ્રકારની ફરજો બજાવી રહ્યું છે.

ભારતના ચૂંટણી પંચે ડિજીટલ વિજીલન્સને વેગ આપવા cVigil નામક એન્ડ્રોઇડ એપ બનાવી છે જે કોઇપણ નાગરિક પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકે છે એવી જાણકારી આપતા નિરવ બારોટે જણાવ્યું કે જાગૃત નાગરિકો મુખ્યત્વે આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનને લગતી બાબતોમાં આ એપના માધ્યમથી તંત્રનું ત્વરિત ધ્યાન દોરી શકે છે અને તંત્રએ ૧૦૦ મીનીટની મર્યાદામાં ફરિયાદનો યોગ્ય પ્રતિભાવ આપવાનો હોય છે.
શહેર-જિલ્લામાં સીવીજીલની ઉપયોગીતાની જાગૃતિનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં તેના માધ્યમથી અકોટા વિધાનસભા વિસ્તાર અને રાવપુરા વિસ્તાર પ્રત્યેકમાંથી એક અને ડભોઇ વિધાનસભા વિસ્તારમાંથી ૦૨ મળીને કુલ ૦૪ ફરિયાદો મળી હતી. આ ફરિયાદો દારૂ વિતરણ, શસ્ત્રો, પોસ્ટર્સ સંબંધિત તથા નાણાં વિષયક હતી. ફલાઇંગ સ્ક્વોર્ડસ દ્વારા તેની ત્વરિત તપાસ કરાવવામાં આવતા તેમાં કોઇ વજૂદ જણાયું ન હતુ.
ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર-જિલ્લાની ૧૦ વિધાનસભા બેઠકોમાં, પ્રત્યેક માટે ત્રણ પ્રમાણે ૩૦ ફ્લાઇંગ સ્ક્વોર્ડસ કાર્યરત છે. સીવીજીલ એપના માધ્યમથી મળતી ફરિયાદો, ૦૫ મીનીટમાં ઘટના સ્થળ નજીકની એફએસટીને મોકલી આપવામાં આવે છે. આ એપમાં ફોટા અને રેકોર્ડીંગ અપલોડ કરવાની પણ સગવડ છે. તેમાં રીઅલ ટાઇમ ડેટા જીપીએસ આધારીત હોવાથી ફરિયાદી(એપના ઉપયોગકર્તા) પોતાની ફરિયાદ કયા તબક્કે છે(ફરિયાદનું સ્ટેટસ) જોઇ શકે છે. એપમાં ડ્રોપ, ડિસ્પોઝ અને એસ્કેલેટ કરવાની સગવડ છે. આ એપથી મળતી ફરિયાદોને ૧૦૦ મીનીટસમાં સુચારૂં પ્રતિભાવ-નિરાકરણની સમય મર્યાદા છે. આ ઉપરાંત ડીસીસી ટોલ ફ્રી નંબર ૧૯૫૦ આધારિત ટેલીફોનિક હેલ્પલાઇનનું સંચાલન કરે છે. સવારના ૦૯:૦૦થી રાત્રિના ૦૯:૦૦ સુધી કાર્યરત આ સુવિધાના આધારે અત્યાર સુધીમાં ૫,૯૪૩ નાગરિકોએ મતદાર યાદીમાં નામની ચકાસણી સહિત વિવિધ બાબતોનું માર્ગદર્શન મેળવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ આ એપ અને સુવિધાનો બહોળો ઉપયોગ કરીને મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ યોજવામાં તંત્રને સહયોગ આપવા અનુરોધ કર્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







