દિસપુર,તા.૫
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભાજપના દિગ્ગજ નેતા અને અસમના નાણા મંત્રી હેમંત બિસ્વા શર્માએ દાવો કર્યો છે કે જા નરેન્દ્ર મોદી ફરી વખત વડાપ્રધાન ન બન્યાં તો પાકિસ્તાન ભારતીય સંસદ પર અને આસામ વિધાનસભા પર હુમલો કરાવી શકે છે. એ સમયે ભારત પાકિસ્તાનને જવાબ પણ નહીં આપી શકે. પીએમ મોદી જ પાકિસ્તાન વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરી શકે એમ છે.
આસામના નગાંવ જિલ્લાના કામપુર ખાતે એક રેલીને સંબોધિત કરતા શર્માએ કહ્યું કે માત્ર નરેન્દ્ર મોદી જ ભારતીય સંસદ અને આસામ વિધાનસભાને આતંકવાદી હુમલાથી બચાવી શકે છે. તેમણે કહ્યું કે ભારતને મોદી જેવા વડાપ્રધાનની જરૂર છે. નવીન ભારત પાકિસ્તાનના હુમલાનો જવાબ આપી શકે છે. હેમંત બિસ્વા શર્માએ કહ્યું કે પુલવામા આતંકવાદી હુમલા બાદ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના વખાણ કરનારા ૧૩૦ લોકોની આસામમાં ધરપકડ કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે ગઇ કાલે અમદાવાદ ખાતે જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે આ નવીન ભારત છે જે આતંકવાદ સામે ઝૂકશે નહીં. નવીન ભારત વીણી વીણીને બદલો લેશે અને જરૂર પડી તો દુશ્મનના ઘરમાં ઘૂસીને હિસાબ ચૂકતે કરશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



