ભાજપને બંગલાદેશી ઘૂસણખોરોને તગેડવામાં કોઈ જ રસ જ નથી..!!

0
19

લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ ભાજપને જૂના મુદ્દા યાદ આવતા જાય છે ને ભાજપના નેતાઓ કરાંજી કરાંજીને એ મુદ્દા ઉખેળીને બેસવા માંડ્યા છે. આ મુદ્દાઓમાં એક મુદ્દો બંગલાદેશી ઘૂસણખોરોનો છે. આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી)નો બીજો ડ્રાફ્ટ બહાર પડ્યો એ સાથે જ ભાજપે બંગલાદેશી ઘૂસણખોરોના નામની માળા જપવા માંડેલી. એ પછી મોકો મળે ત્યારે ભાજપના નેતાઓ એ વાત માંડીને બેસી જાય છે. રવિવારે નવી દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપની રેલી હતી ને તેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે એ જ કથા માંડી દીધી.
અમિત શાહે જાહેર કર્યું કે, આ દેશમાં જામી પડેલા કરોડો ઘૂસણખોરો ઉધઈ જેવા છે કે જે આપણા દેશના ગરીબો માટેનું અનાજ ખાઈ જાય છે ને આપણી નોકરીઓ લઈ જાય છે. આ દેશમાં એ લોકો બોમ્બધડાકા કરાવે છે ને આપણા સેંકડો લોકોનો ભોગ લઈ ચૂક્યા છે. અમિત શાહે રાહુલ ગાંધી ને અરવિંદ કેજરીવાલને આ ઘૂસણખોરોના સમર્થક ગણાવ્યા ને બીજું પણ ઘણું કહ્યું. એ બધી વાત માંડવાનો અર્થ નથી પણ પાઘડીનો વળ છેડે આવે એ રીતે તેમણે છેલ્લે જાહેર કર્યું કે, આ બધા ઘૂસણખોરોને તગેડવા માટે અમને ફરી સત્તા આપો ને ૨૦૧૯માં કેન્દ્રમાં ફરી અમારી સરકાર આવશે તો ભાજપ આ ઘૂસણખોરોને શોધી કાઢવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન છેડશે. એ પછી અમે એક-એક ઘૂસણખોરને શોધી શોધીને દેશ બહાર તગેડી મૂકીશું.
અમિત શાહે બંગલાદેશી ઘૂસણખોરોને ઉધઈ ગણાવ્યા તેના કારણે બંગલાદેશને માઠું લાગી ગયું છે. બંગલાદેશના માહિતી પ્રધાન હસનુલ હકે અમિત શાહની ટિપ્પણીને બિનજરૂરી ગણાવી છે ને ડહાપણ ડહોળ્યું છે કે, અમિત શાહ પાસે પૂરી માહિતી નથી. તેમને ખબર હોવી જોઈએ કે, ભારતમાં કોઈ બંગલાદેશી રહેતો નથી ને ભારતમાં બાંગ્લા ભાષા બોલનારા બધા બંગલાદેશી નથી. ભારતની એક ટીવી ચેનલે સવાલ કરેલો તેના જવાબમાં હકે આ વાત કરેલી. તેમણે એ પછી અમિત શાહને સાવ કોડીના કરી નાખતાં એમ પણ કહ્યું કે, અમિત શાહની વાતને અમે જરાય મહત્વ આપતા નથી કેમ કે એ ભારત સરકારમાં કોઈ હોદ્દા પર નથી ને ભારત-બંગલાદેશ સંબંધો પર બોલવાની તેમની ઔકાત પણ નથી. ભારત-બંગલાદેશના સંબંધો બહુ સારા છે ને અમારૂં વિદેશ મંત્રાલય આ મુદ્દો ભારતીય વિદેશ મંત્રાલય સામે ઉઠાવવાનું પણ નથી કેમ કે બે દેશો વચ્ચેના સંબંધોમાં અમિત શાહની કોઈ હેસિયત જ નથી.
હકે છેલ્લે જે વાત કહી એ સાવ સાચી છે. અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ છે ખરા પણ એ સરકારમાં નથી. આ સંજોગોમાં એ ગમે તે બોલે, સત્તાવાર રીતે તેની કાંઈ કિંમત નથી. આ સંજાગોમાં બાંગ્લાદેશ તેમની વાત એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખે એમાં કશું ખોટું નથી. એ સિવાયની બીજી વાતો પચે એવી નથી. આ દેશમાં બંગલાદેશી ઘૂસણખોરો છે જ નહીં તેનાથી મોટું ગપ્પું બીજું કોઈ હોઈ જ ના શકે. આપણે ત્યાં બંગલાદેશી ઘૂસણખોરોની વાત આવે ત્યારે બંગાળ કે આસામની જ વાત થાય છે પણ અત્યારે તો આખા દેશમાં બંગલાદેશી ફેલાઈ ગયા છે. તમે દેશનું કોઈ પણ મોટું શહેર લઈ લો, બંગલાદેશીઓ મળી જ આવશે. એ પણ એકલદોકલ નહીં પણ થોકના ભાવે મળી આવશે. બંગલાદેશી ઘૂસણખોરોની આખેઆખી વસાહતો ને મોટા ભાગે તો ઝૂંપડપટ્ટીઓ આ દેશના દરેક મોટાં શહેરમાં ઊભી થઈ ગઈ છે. અમદાવાદ હોય કે મુંબઈ હોય કે દિલ્હી, બધે આ જમાત મળી જ આવશે. આ દેશમાં કેટલા બંગલાદેશી ઘૂસણખોરો
પથરાઈને પડ્યા હશે એ જ ખબર ના પડે એ રીતે એ લોકો ફેલાઈને પડ્યા છે.
બંગલાદેશની વાત એ રીતે ગધેડાને તાવ આવે તેવી છે ને હજમ થાય એવી નથી પણ બંગલાદેશ પાસેથી તમે બીજી આશા શું રાખો ? બંગલાદેશી વરસોથી અહીં ધામા નાખીને પડેલા છે એ સામી ભીંતે લખાયેલું સત્ય છે પણ બંગલાદેશ એવી કબૂલાત શું કરવા કરે ? બંગલાદેશ એવી કબૂલાત કરવા જાય તો કાલ ઊઠીને એ બધા તેને ગળે પડે. બંગલાદેશીઓ એટલા શાણા તો હોય જ કે, એવી મૂર્ખામી ના કરે. બંગલાદેશનું વલણ તેમના માટે બરાબર છે પણ સવાલ બાંગ્લાદેશ શું કહે છે તેનો નથી. સવાલ આપણે શું કહીએ તેનો છે ને શું કરીએ છીએ તેનો છે.
અમિત શાહને અત્યારે બંગલાદેશી ઘૂસણખોરો યાદ આવ્યા છે ત્યારે સવાલ એ છે કે, અત્યાર લગી એ શું કરતા હતા ને તેમની સરકાર શું કરતી હતી ? બંગલાદેશી ઘૂસણખોરોનો મુદ્દો એવો તો છે નહીં કે કાલે ઊભો થયો ને આજે આપણી ગળચીએ બાઝી ગયો હોય ? આ મુદ્દો વરસોથી નહીં પણ દાયકાઓથી ગાજે છે. આઝાદી વખતથી બંગલાદેશથી આપણા દેશમાં ઘૂસણખોરો આવવા માંડેલા પણ ૧૯૭૧ના યુધ્ધ વખતે એ પ્રવાહ વધ્યો. એ વખતે લાખોની સંખ્યામાં ઘૂસણખોરો આવ્યા ને પછી અહીં જ જામી ગયા. આપણા માટે એ રીતે ધરમ કરતાં ધાડ પડી જેવો ઘાટ થયેલો. આ ઘૂસણખોરોના કારણે તો આસામમાં વરસો લગી વિદ્યાર્થીઓએ આંદોલન કરેલું ને આખા આસામને ઠપ્પ કરી દીધેલું.
ભાજપ પોતે પણ વરસોથી બંગલાદેશી ઘૂસણખોરોનો મુદ્દો ચગાવે છે. આ ઘૂસણખોરોને લાત મારીને તગેડી મૂકવા જોઈએ એવું ભાજપ કરાંજી કરાંજીને કહે છે. લોકસભાની છેલ્લી ચૂંટણીમાં તો ભાજપે જોરશોરથી આ મુદ્દો ચગાવેલો. એ વખતે નરેન્દ્ર મોદી પોતે આ મુદ્દે મચી પડેલા. આસામમાં ભાજપ બાજી મારી ગયો તેનું કારણ આ મુદ્દો હતો. ભાજપે આસામ વિધાનસભાની ચૂંટણી વખતે પણ જોરશોરથી ઘૂસણખોરોની પારાયણ માંડી દીધેલી ને તેના કારણે ઓળઘોળ થયેલા લોકોએ તેમને સત્તા પણ આપી દીધી. કેન્દ્રમાં ભાજપની સવા ચાર વરસથી સરકાર છે ને આ સવા ચાર વરસમાં ભાજપે બંગલાદેશી ઘૂસણખોરોને કાઢવા શું કર્યું ? આસામમાં પણ અઢી વરસથી ભાજપની જ સરકાર છે ને આ અઢી વરસમાં આસામમાં ભાજપની સરકારે કશું કર્યું ખરૂં ?
ભાજપ સવા ચાર વરસ પહેલાં કૂદી કૂદીને બંગલાદેશી ઘૂસણખોરોને લાત મારીને તગેડવાની વાતો કરતો હતો. તગેડવાની વાત તો છોડો પણ હજુ સુધી આ દેશમાં કેટલા બંગલાદેશી ઘૂસણખોરો રહે છે એ શોધવાનું કામ પણ ભાજપે કર્યું નથી. ભાજપે બીજું કશું ના કર્યું હોત ને ઘૂસણખોરોનો સર્વે કરાવ્યો હોત તો પણ એવું લાગત કે, ભાજપને આ મુદ્દો ઉકેલવામાં રસ છે પણ એટલુંય કર્યું નથી. અમિત શાહ વધાઈ ખાય છે કે, આસામમાં ૪૦ લાખ બંગલાદેશીઓને અમે શોધી કાઢ્યા. અલ્યા ભઈ, એમાં તમે શું કર્યું ? આ માહિતી તો એનઆરસીમાં બહાર આવી ને એનઆરસી તો ભાજપ અસ્તિત્વમાં નહોતો એ પહેલાંથી અસ્તિત્વમાં છે. એનસીઆરનો અત્યારે જે ડ્રાફ્ટ બહાર પડ્યો છે તેની તૈયારી તો ભાજપની સરકાર આવી એ પહેલાંથી થઈ ગયેલી. તો તમે શું કર્યું ? બીજું એ કે, અત્યાર લગી તમે આસામમાં જ એક કરોડ બંગલાદેશી ઘૂસણખોરો છે તેવી વાતો મોટા ઉપાડે કરતા હતા. હવે આ આંકડો ૪૦ લાખ પર આવીને અટક્યો છે ને હજુ તો ફાઈનલ ડ્રાફ્ટ બહાર આવશે ત્યારે તેમાં પાછો ઘટાડો થશે. અત્યારે તો એ હાલત એ છે કે, ખરેખર કેટલા ઘૂસણખોરો છે તેની પણ તમને ખબર નથી.
જો કે એ બધી વાતો પણ આપણે છોડી દઈએ. ચાર વરસમાં શું કર્યું ને શું ના કર્યું તેની વાત જવા દઈએ તો પણ અત્યારે પણ બાંગ્લાદેશી ઘૂસણખોરોને મામલે કશું પણ કરતાં ભાજપને કોણ રોકે છે ? એ માટે ૨૦૧૯ લગી રાહ જોવાની શું જરૂર છે ? ભાજપની સરકાર કાલ સવારથી જ એ કામ શરૂ કરે ને મચી પડે. ધરમના કામમાં ઢીલ શું કરવા? લોકસભાની ચૂંટણીને હજુ સાત-આઠ મહિનાની વાર છે. આ સાત-આઠ મહિનામાં બીજું કંઈ ના થાય તો કંઈ નહીં પણ ઘૂસણખોરોનો સર્વે તો થાય કે ના થાય ? ભાજપની સરકાર એ પણ કેમ કરાવતી નથી ?
આ સવાલનો જવાબ સરળ છે. ભાજપને ખરેખર બંગલાદેશી ઘૂસણખોરોને તગેડવામાં રસ જ નથી ને એ તેની તાકાત પણ નથી. આ ઘૂસણખોરોને તગેડવા છપ્પનની છાતી જોઈએ, ભઈ ને ભાજપના નેતાઓ પાસે એ નથી. ચૂંટણી આવે ત્યારે ભાજપના નેતાઓ લોકોને ભરમાવવા થૂંક ઉડાડવા બેસી જાય છે, પછી રામ રામ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY