રાજપીપળા:
ગુજરાતના મુખ્યસચિવ ડૉ. જે.એન. સિંઘે આજે નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ની ડેમસાઇટની મુલાકાત લઇ “સ્ટેચ્યુ ઓફ યુનિટી” પ્રોજેક્ટ હેઠળ થઇ રહેલી કામગીરીનું ઝીણવટ ભર્યુ નિરીક્ષણ કરી આ દિશામાં થઇ રહેલી પ્રગતિની જાણકારી મેળવી હતી. ડૉ. સિંઘે ડેમસાઇટ ખાતે “એ ફ્રેમ” તેમજ ઇરીગેશન બાયપાસ ટનલ (આઇબીપીટી) ની પણ મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. મુખ્ય સચિવ ડૉ. સિંધની આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામા, નર્મદા નિગમના ડિરેક્ટર એ.કે. પટેલ, મુખ્ય ઇજનેર પી.સી. વ્યાસ, અધિક્ષક ઇજનેર આર.જી. કાનુનગો વગેરે તેમની સાથે જોડાયાં હતા.
મુખ્ય સચિવ ડૉ. જે.એન. સિંઘે આજે ડેમ સાઇટની મુલાકાત દરમિયાન લઇ “સ્ટેચ્યુ ઓફ યુનિટી” ની પ્રતિમાના જુદા જુદા ઘટકો જોડવાની થઇ રહેલી કામગીરીના સ્થળની મુલાકાત લઇ તેનું નિરીક્ષણ પણ કર્યું હતું અને સ્થળ ઉપર કામગીરી સંભાળી રહેલા ઇજારદારના ઇજનેર અને નિગમના ઇજનેરઓએ ઉક્ત કામગીરીની પ્રગતિથી ડૉ. સિંઘને વાકેફ કર્યા હતા.
મુખ્ય સચિવ ડૉ. જે.એન. સિંઘે આ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, ડેમસાઇટ ખાતે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની ૧૮૨ મીટરની પ્રતિમાનું બાંધકામ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે અને આ બાંધકામ તેના નિર્ધારિત લક્ષ મુજબ આગામી તા. ૩૧ મી ઓક્ટોબર, ૨૦૧૮ સુધી પૂર્ણ થઇ જશે.
મુખ્ય સચિવ ડૉ. જે.એન. સિંઘે ઇરીગેશન બાયપાસ ટનલ (આઇબીપીટી) ની પણ મુલાકાત લઇ જળ સપાટીનું નિરીક્ષણ કર્યું હતું. હાલમાં ૧૧૧.૩૭ મીટરની સપાટીએ ડેમ લાઇવ સ્ટોરેજ ઉપર છે. ૧૧૦.૬૪ મીટરની નીચી સપાટીએ લાઇવ સ્ટોરેજ પુર્ણ થયેથી ડેડસ્ટોરેજ વાપરવાની પરિસ્થિતિ ઉભી થશે ત્યારે માત્ર એક કલાકના સમયગાળામાં જ આઇબીપીટી ચાલુ કરી શકાશે. મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશનો પણ ખુબ જ સહયોગ મળી રહ્યો હોવાનું ડૉ. સિંઘે ઉમેર્યું હતું. ગુજરાતમાં પીવાના પાણીની કોઇ મુશ્કેલી ઉદભવશે નહિ અને આગામી ચોમાસામાં જો વરસાદ સામાન્ય હશે તો પણ પરિસ્થિતિ રાબેતા મુજબની બની રહેશે, તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
“સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ” નાં કારણે આ વિસ્તાર વિશ્વના પ્રવાસન નકશામાં અંકિત થઇ રહ્યોં છે, ત્યારે પ્રવાસીઓ માટે પાવાગઢ-સાપુતારા વગેરે જેવા સ્થળોની જેમ નર્મદા ડેમ સાઇટ ખાતે ઉડન ખટોલા (રોપ-વે) ની સુવિધા ઉભી કરવાનું આયોજન હાથ ધરાયું છે અને આ અંગે હવે પછીની આગામી બેઠકમાં તે દિશામાં જરૂરી કાર્યવાહી હાથ ધરાશે તેમ પણ ડૉ. સિંઘે વધુમાં જણાવ્યું હતું. નેશનલ લેવલના આકાર પામી રહેલા ટ્રાયબલ મ્યુઝીયમ માટે પણ કેન્દ્રના આર્કાઇવ્ઝ વિભાગ સાથે થયેલી સમજૂતી-સહયોગની પણ તેમણે જાણકારી આપી હતી.
મુખ્ય સચિવ ડૉ. જે.એન. સિંઘે ડેમ સાઇટની મુલાકાત બાદ આજના મહા શિવરાત્રિના પાવન પર્વે શુલપાણેશ્વર મંદિર ખાતે પૂજા-અર્ચના કરી અભિષેક-આરતીમાં ભાગ લીધો હતો.
રિપોર્ટર : ભરત શાહ.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"