શ્રીનગર,તા. ૪
જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા ઉપર પ્રતિકુળ અસર થઇ છે. અમરનાથ ગુફા તરફ દોરી જતાં બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બનેલી છે. આના પરિણામ સ્વરુપે બંને જગ્યાએથી અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. પહેલગામ અને બાલતાલમાં યાત્રાને રોકી દેવામાં આવી છે. દરમિયાન અમરનાથ શ્રદ્ધાળુઓ માટે ૫૩૮૨ શ્રદ્ધાળુઓનો નવો કાફલો રવાના થયો છે. કાશ્મીર ખીણમાં અધિકારીઓએ ખરાબ હવામાન હોવાના લીધે યાત્રાને રોકી દીધી છે. પોલીસે કહ્યું છે કે, બાલતાલ અને પહેલગામ બંને બેઝકેમ્પ ખાતે યાત્રા રોકી દેવામાં આવી છે. બીજી બાજુ ૫૩૮૨ શ્રદ્ધાળુઓ જમ્મુના ભગવતીનગર નિવાસથી રવાના થઇ ચુક્યા છે. ૨૦૩૦ જેટલા શ્રદ્ધાળુઓ પહેલગામ અને ૧૬૭૮ શ્રદ્ધાળુ બાલતાલ બેઝ કેમ્પ માટે રવાના થયા હતા. ભારે વરસાદના પરિણામ સ્વરુપે બાલતાલ કેમ્પથી ૧૪ કિલોમીટરના અંતરને પાર કરવાની બાબત હમેશા પડકારરુપ રહે છે. ખરાબ હવામાનના લીધે અમરનાથ યાત્રીઓ હાલમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બંને માર્ગો ઉપર રસ્તા ખરાબ થઇ ગયા છે. ૨૮મી જૂનના દિવસે અમરનાથ યાત્રાની શરૂઆત થઇ હતી. ત્યારબાદથી સતત વરસાદ થવાના કારણે યાત્રામાં વારંવાર અડચણો આવી રહી છે. ૩૦મી જૂનના દિવસે દિવસ દરમિયાન યાત્રાને રોકવામાં આવી હતી. ખરાબ હવામાનના લીધે પહેલા દિવસે માત્ર ૧૦૦૭ શ્રદ્ધાળુ પવિત્ર ગુફામાં બનનાર શિવલિંગના દર્શન કરી શક્યા હતા. હજુ સુધી ૫૪૮૩૩ શ્રદ્ધાળુ અમરનાથની યાત્રા કરી ચુક્યા છે. બે મહિના સુધી ચાલનાર આ યાત્રામાં બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી ચુક્યા છે. ૨૬મી ઓગસ્ટના દિવસે અમરનાથ યાત્રા પૂર્ણ થનાર છે. આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સુરક્ષા જવાનોને પણ શ્રદ્ધાળુઓની સાથે રાખવામાં આવ્યા છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






