લખનઉ,તા.૧
ઉત્તરપ્રદેશમાં ગાયોની સુરક્ષા પાછળ યુપી સરકાર ખૂબ જ ધ્યાન આપી રહી છે. અધિકારીઓને પણ ગૌ-રક્ષા માટે પણ નોટીસ આપવામાં આવી છે. પરંતુ આ ફક્ત ઢોંગ હોવાનું સામે આવ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે ગત કેટલાક દિવસોમાં યુપીમાં અનેક ગાયોના મોત થયા છે. પરંતુ યોગી સરકારની ગૌ-રક્ષાની કામગીરી નિરાશાજનક રહી છે એવું મીડિયાના રિપોર્ટ પરથી જણાઇ રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે અલીગઢમાં ૨૬ ડિસેમ્બર, ૨૦૧૮થી લઇને ૩૦ ડિસેમ્બર, ૨૦૧૮ ની વચ્ચે એક ગૌશાળામાં લગભગ ૭૮ ગાયોના મોત થયા હતા. જટ્ટારી સ્થિત શ્યામ પુરુષોત્તમ ગૌશાળા એક સ્વંય સેવી સંસ્થા દ્વારા સંચાલિત કરવામાં આવે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, કેટલાક દિવસો અગાઉ જ આ સંસ્થાને ગાયોની રક્ષા અને દેખરેખ માટે ૨.૫ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. નાણાં આપ્યાની પુષ્ટિ અધિકારીઓએ જ કરી છે.
અલીગઢના જટ્ટારી સ્થિત શ્યામ પુરુષોત્તમ ગૌશાળાના સેક્રેટરી શિવદત્ત શર્માએ ૭૮ ગાયોના મોત પાછળ તેમના બીમારીનું કારણ હોવાની વાત કરી છે. શિવદત્ત શર્માના જણાવ્યા મુજબ, જે ગાયોના મોત થયા છે તેમને બીમારીની સ્થિતિમાં લાવવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, નિરાધાર પશુઓને કારણે ખેડૂતોના પાકનો નાશ થઇ રહ્યો છે. આવા ખેડૂતોએ તેમને કોઇ મોટા સરકારી કેમ્પસમાં બંધ કરવાનું શરૂ કરી દીધું છે. ત્યાં પાણી અને ઘાસ-ચારા વગર આ અબોલા પશુઓ મોતને ભેટી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



