યોગી સરકાર ૪૦ લાખનું વળતર તેમજ માતા-પિતાને ૧૦ લાખનું વળતર આપશે
લખનૌ,તા.૨૮
ઉત્તર પ્રદેશના અમરોહામાં એન્કાઉન્ટરમાં એક પોલીસ કોન્સ્ટેબલનું મોત થયું છે. મૃતક કોન્સ્ટેબલનું નામ હર્ષ ચૌધરી (ઉં.વ.૨૬) છે. ગુનેગારો સાથે અથડામણ દરમિયાન હર્ષને ગોળી વાગી હતી, જેનાથી તેનું મોત થયું હતું.
સીનિયર પોલીસ અધિકારી આનંદ કુમારે જણાવ્યું કે, બછરોન વિસ્તારમાં વોન્ટેડ આરોપી છૂપાયો હોવાની માહિતી મળ્યા બાદ રવિવારે રાત્રે સાતથી આઠ વાગ્યાની આસપાસ એક પોલીસ ટીમ મોકલવામાં આવી હતી. વોન્ટેડ આરોપી સામે ૧૯ ક્રિમિનિલ કેસ દાખલ થયા છે. પોલીસે જ્યારે તેને સરેન્ડર કરવાનું કહ્યું ત્યારે તેણે જવાબમાં ફાયરિંગ કર્યું હતું, જેમાં હર્ષ ચૌધરી નામનો એક પોલીસ કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થયો હતો. હર્ષને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું. પોલીસે અપરાધી શિવાવતારને પણ ગોળી મારી હતી, તેનું પણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતક હર્ષની પત્નીને રૂ. ૪૦ લાખનું વળતર ચુકવવાનો તેમજ તેના માતાપિતાને રૂ. ૧૦ લાખનું વળતર આપવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત પરિવારના કોઈ એક સભ્યને સરકારી નોકરી પણ આપવામાં આવશે.
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથે મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ આશરે ૩૦૦૦ જેટલા પોલીસ એન્કાઉન્ટર્સ થયા છે. આ એન્કાઉન્ટર્સમાં ૭૮ ગુનેગારોને ઠાર કરવામાં આવ્યા છે, જ્યારે એન્કાઉન્ટર્સ દરમિયાન સાત જેટલા પોલીસકર્મીઓ શહીદ થયા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



