રાજ્ય સરકાર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો વિરોધ પક્ષના નેતા તેમજ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સહિત ધારાસભ્યોના પગારમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભામાં આજે એજન્ડા બહાર આ પગાર વધારા સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં મંત્રીઓને અત્યાર સુધી મળતા રૂ. ૭૦, ૭૨૭ ના બદલે હવે માસિક રૂ. ૧,૧૬, ૩૧૬ પગાર મળશે. ગુજરાત વિધાનસભામાં કાયદા રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સુધારા વિધેયક રજૂ કર્યું હતું જેમાં જણાવ્યું હતું કે ધારાસભ્યો, મંત્રીઓ વગેરેને જનસેવા કરવાની હોય છે જેમાં પોતાની ગાડી લઈ ડ્રાઈવર સાથે ગામડે-ગામડે ફરવું પડતું હોય છે. આ ઉપરાંત કાર્યાલયો ચલાવવા સાથે સોશિયલ મીડિયામાં કાર્યરત રહેવાનો પણ ખર્ચ કરવો પડતો હોય છે. આ બાબતે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સાથે વાતચીત થયા બાદ આ વિધેયક રજૂ કરવામાં આવ્યુ છે.
પ્રદીપસિંહ જણાવ્યું હતું કે મંત્રીમંડળના સભ્યોને અત્યાર સુધી નાયબ સચિવ કક્ષાના પગાર ધોરણ પ્રમાણે પગાર મળતો હતો. જ્યારે નવા પગાર વધારાથી અગ્ર સચિવ કક્ષાના વર્ગ-૧ ના પગાર ધોરણ પ્રમાણે હવે પગાર મળશે. જેમાં મંત્રીઓને રૂ. ૭૦, ૭૨૭ ના બદલે હવે રૂ. ૧, ૧૬, ૩૧૬ જેટલો પગાર મળશે. આ સિવાય અંગત મદદનીશનો પગાર અને લેખન સાહિત્યના ખર્ચમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં મોંઘવારી ભથ્થુ ૪ હજારથી વધારીને ૭ હજાર કરાયું છે. ટેલિફોન બિલ ૪ હજારથી વધારી ૫,૫૦૦ કરાયું છે. અંગત મદદનીશનો પગાર ૩ હજારથી વધારીને ૨૦ હજાર કરવામાં આવ્યો છે. લેખન સામગ્રીનો ખર્ચ ૩ હજારથી વધારીને ૫ હજાર કરાયો છે. ધારાસભ્યોના પગાર વધારાનું આ આ વિધેયક આજના એજન્ડામાં ન હોવા છતાં વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસની સહમતિથી સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. જ્યારે મંત્રીઓ, દંડક અને નાયબ દંડક સહિતનાને ૧ લાખ ૩૨ હજાર પગાર મળશે.
છેલ્લા ૨૦૦૫માં ધારાસભ્યોના પગાર અને ભથ્થાના બિલમાં સુધારો કરવામાં આવ્યો હતો. બિલમાં રજુઆત કરાઈ હતી કે ધારાસભ્યોને અત્યાર સુધી ઉપ સચિવ કક્ષાનો પગાર મળે છે, તેમને નાયબ સચિવ કક્ષાનો પગાર આપવામાં આવે. બિલમાં દલીલો કરવામાં આવી હતી કે ધારાસભ્યોને જનસંપર્ક અધિકારી રાખવા પડે છે, પ્રવાસો કરવા પડે છે, સારા અને નરસા કાર્યક્રમોમાં હાજરી આપવી પડે છે. દરરોજ ૧૫ કલાક અને કયારેક તેનાથી વધારે કામ કરવું પડે છે. હાલના પગારધોરણ પ્રમાણે જીવન નિર્વાહ ચલાવી શકાય તેમ નથી.
ધારાસભ્યોના પગારમાં કરાયેલ આ વધારાની રકમ લોકોના ટેક્સમાંથી જ જવાની છે અને તેના કારણે સરકારી તિજારી પર ૧૦ કરોડ રૂપિયાનો બોજા પડશે.આ પગાર વધારો ૨૨ ડિસેમ્બર ૨૦૧૭થી અમલી ગણાશે અને આ દરમિયાનના મહિનાઓનું ૬. ૫૦ કરોડ રૂપિયા એરિયર્સ પણ ચુકવાશે. દરમિયાન એકમાત્ર પેટલાદના કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલે વિધાનસભામાં કહ્યું હતું કે ધારાસભ્યના પગારમાં વધારો થઇ રહ્યો છે ત્યારે લોકો મોંઘવારીથી પરેશાન છે તેના માટે સરકારે કાંઇ કરવું જાઈએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



