મુંબઈ,તા.૨
કાર્તિક આર્યન અને ક્રિતી સેનનને ચમકાવતી રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘લુકા છુપી’ આ શુક્રવારે રિલીઝ થઈ છે. પહેલા દિવસે આ ફિલ્મને શાનદાર શરૂઆત મળી છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મને પહેલા દિવસે જ ૮.૦૧ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. વીકએન્ડની શરૂઆત હોવાને કારણે હજુ શનિ અને રવિવારે આ ફિલ્મને સારો વકરો મળશે તેવું ટ્રેડ એનાલિસ્ટો માની રહ્યા છે.
ઓપનિંગ ડે કલેક્શનમાં લુકા છુપીએ ગયા વર્ષે રિલીઝ થયેલી ઘણી બધી હિટ ફિલ્મોને પાછળ રાખી દીધી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે જણાવ્યા પ્રમાણે ઓપનિંગ ડેની કમાણીને ધ્યાનમાં લઈએ તો ગયા વર્ષની હિટ ફિલ્મોએ પહેલે દિવસે કંઈક આવો વકરો કરેલોઃ ‘રાઝી’ (૭.૫૩ કરોડ રૂપિયા), ‘સ્ત્રી’ (૬.૮૩ કરોડ રૂપિયા) અને ‘બધાઈ હો’ (૭.૨૯ કરોડ રૂપિયા). હવે લુકા છુપીએ ફર્સ્ટ ડે પર સીધી ૮.૦૧ કરોડ રૂપિયાની કમાણી કરી લઈને આ ફિલ્મોને પાછળ રાખી દીધી છે અને બમ્પર કલેકશનની દિશામાં દોટ મૂકી છે.
લુકા છુપી એક્ટર કાર્તિક આર્યનની પણ ઓપનિંગ ડે પર સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. બોક્સ ઓફિસ પર પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી કાર્તિકની અગાઉની હિટ ફિલ્મોમાં ‘પ્યાર કા પંચનામા-૨’ (૨૦૧૫) હતી, જેણે પહેલા દિવસે ૬.૮૦ કરોડ રૂપિયા કમાયેલા. ત્યારપછી ૨૦૧૮માં આવેલી એની ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’એ પહેલા દિવસે ૬.૪૨ કરોડ કમાયેલા. કાર્તિક આર્યનને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એસ્ટાબ્લિશ કરનારી ફિલ્મ ‘પ્યાર કા પંચનામા-૧’એ તો પહેલા દિવસે માત્ર ૯૨ લાખની જ કમાણી કરેલી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




