૨૦૨૨ સુધીમાં ૩ ભારતીયોને ૭ દિવસ સુધી અવકાશ યાત્રા પર મોકલાશે,૧૦ હજાર કરોડનો ખર્ચ થશે
અમેરિકા,રશિયા,ચીન બાદ ભારત ચોથો દેશ બનશે,આ કાર્યક્રમ દ્વારા ભારતની માનવ સહિતની સ્પેસફ્લાઈટની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે
ન્યુ દિલ્હી,તા.૨૮
કેન્દ્રીય પ્રધાન રવિ શંકર પ્રસાદે શુક્રવારે જણાવ્યું કે, ૨૦૨૨ સુધીમાં ૭ દિવસ માટે ૩ ભારતીયોને સ્પેસમાં મોકલવાની યોજના કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવી છે. રૂપિયા ૧૦,૦૦૦ કરોડના સ્વદેશી માનવ અવકાશ કાર્યક્રમ, ગગનયાનના ભાગરૂપે બે માનવરહિત ફ્લાઇટ્સ અને એક માનવ ફ્લાઇટ દ્વારા ઉડાન હાથ ધરવામાં આવશે. એકવાર મિશન પૂર્ણ થઈ જાય પછી યુ.એસ, રશિયા અને ચીન પછી માનવને અવકાશમાં મોકલનાર ભારત ચોથો દેશ બનશે.
આ મિશનના સમયગાળા માટે ત્રણ ક્રૂ મેમ્બરને ટકાવી રાખવા જરૂરી જાગવાઈઓનું પાલન કરવામાં આવશે. આ મિશનના ઓર્બિટલ મોડ્યૂલ માટે GSLV Mk-IIIનો ઉપયોગ કરાશે. આ કાર્યક્રમ દ્વારા ભારતની માનવ સહિતની સ્પેસફ્લાઈટની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે. મિશન દરમિયાન એક ભ્રમણકક્ષાના ગાળા (અંદાજે સાત દિવસ) સુધી સ્પેસ ફ્લાઈટનું બારીકાઈથી નીરિક્ષણ કરવામાં આવશે તેમ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન અથવા ઇસરોને ૨૦૨૨ માટે ડેડલાઇન આપી હતી. તેમણે સ્વતંત્રતા દિવસના ભાષણમાં જણાવ્યું હતું કે “ભારતના પુત્ર અથવા પુત્રી ભારતીય ઝંડાને હાથમાં લઇને સ્વતંત્રતાના ૭૫ વર્ષે અવકાશ યાત્રા પર જશે.”
ટેક-ઓફ પછી, અવકાશયાન જીએસએલવી-એમકે III, ૧૬ મિનિટમાં ભ્રમણકક્ષામાં પહોંચશે. ક્રૂ જ્યારે પૃથ્વી પર પરત ફરશે ત્યારે તેઓ ગુજરાતના સમુદ્ર કિનારે, બંગાળની ખાડી અથવા અરબી સમુદ્રમાં લેન્ડ કરી શકે છે. જિયોસિન્ક્રોનાઇઝ્ડ સેટેલાઇટ લોંચ વેહિકલ-માર્ક III (GSLV-MK III) ભારત દ્વારા તૈયાર કરવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી ભારે રોકેટ છે અને તે મોટા પાયે લોડ માટે સક્ષમ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



