ન્યુ દિલ્હી,તા.૧
ગત એક વર્ષથી કેન્દ્રની મોદી સરકાર પર સતત પ્રહારો કરનાર અભિનેતા પ્રકાશ રાજે નવા વર્ષના અવસર પર રાજનીતિમાં આવવાનું એલાન કર્યું છે. પ્રકાશ દક્ષિણ સિનેમામાં આ દિવસોમાં રાજનીતિમાં સામેલ થનાર રજનીકાંત અને કમલ હાસન પછી ત્રીજા સૌથી મોટા અભિનેતા છે. તેમણે એલાન કર્યું છે કે તેઓ આ વર્ષે થવા જઇ રહેલી લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ભાગ લેશે.
હિન્દી અને તામિલ સહિત અનેક ભાષાઓમાં કામ કરી ચૂકેલા જાણીતા અભિનેતા પ્રકાશે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, પરંતુ તે સ્પષ્ટ નથી થયું કે તેઓ કયા પ્રદેશથી ચૂંટણી લડશે. જા કે તેમના નજીકના સૂત્રોનું કહેવું છે કે તેઓ કર્ણાટકથી લોકસભા ચૂંટણી લડી શકે છે. તેઓ લાંબા સમયથી કેન્દ્રની મોદી સરકાર અને ભાજપ પર ઘણા વિષયો અંગે પ્રશ્નો ઉભા કરી ચૂક્યા છે અને તેમને નિશાન બનાવતા રહ્યા છે.
પ્રકાશ રાજે ટ્વીટ કરી કહ્યું કે તમામને હેપ્પી ન્યૂ યર … એક નવી શરૂઆત. વધુ જવાબદારી અને તમારા સમર્થન સાથે હું અપક્ષ ઉમેદવાર તરીકે આગામી લોકસભા ચૂંટણી લડીશ. સંસદીય ક્ષેત્ર વિશે ટૂંક સમયમાં જ જણાવીશ.
પ્રકાશ રાજે વડાપ્રધાન મોદીની ઘણી વખત આલોચના કરી હતી. નેશનલ એવાર્ડથી સન્માનિત અભિનેતા પ્રકાશ રાજે પત્રકાર ગૌરી લંકેશ મર્ડર કેસ પર વડાપ્રધાન મોદીના મૌન પર નારાજગી વ્યક્ત કરતા તેમને તેમનાથી પણ મોટા એક્ટર ગણાવ્યા હતા. સાથે પોતાનો નેશનલ એવાર્ડ પરત કરવાની ધમકી પણ આપી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





