છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી હઝરત નિઝામુદ્દિન રેલ્વે વચ્ચે દોડાવાશે
ન્યુ દિલ્હી,તા.૧૭
મુંબઈ અને નવી દિલ્હી વચ્ચે અવારનવાર ટ્રેન પ્રવાસ કરનારાઓ માટે ખુશખબર છે. ભારતીય રેલવેએ આ બે સ્ટેશન વચ્ચે એક વધુ રાજધાની એક્સપ્રેસ દોડાવવાનો નિર્ણય લીધો છે. નવી રાજધાની એક્સપ્રેસને છત્રપતિ શિવાજી મહારાજ ટમિર્નસથી હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશન વચ્ચે દોડાવવામાં આવશે.રેલવે મંત્રાલયે આ ટ્રેન ચલાવવા માટે મંજૂરી આપી દીધી છે.
નવી ટ્રેન ૨૬ જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસથી શરુ કરાય એવી ધારણા છે. તે મુંબઈથી દર બુધવાર અને શનિવારે રવાના થશે.આ જ ટ્રેન નવી દિલ્હી રેલવે સ્ટેશનેથી દર ગુરુવાર અને રવિવારે દોડાવાશે. આ ટ્રેન મુંબઈથી દિલ્હી વચ્ચેનું અંતર લગભગ ૨૦ કલાકમાં પૂરું કરશે. અહેવાલો અનુસાર, આ ટ્રેન મુંબઈના સ્ટેશનેથી બપોરે ૨.૨૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે ૧૦.૨૦ વાગ્યે દિલ્હી પહોંચશે. વળતી સફરમાં, આ ટ્રેન દિલ્હીના હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશનેથી બપોરે ૩.૪૫ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે ૧૧.૫૫ મુંબઈ પહોંચશે. આ ટ્રેન કલ્યાણ, નાશિક, જળગાંવ, ભોપાલ, ઝાંસી અને આગરા કેન્ટોનમેન્ટ સ્ટેશનોએ ઉભી રહેશે.
આ ટ્રેનને મધ્ય રેલવે દોડાવશે. હાલ મુંબઈ-દિલ્હી વચ્ચે દોડાવાતી રાજધાની એક્સપ્રેસને પિશ્ચમ રેલવે દ્વારા દોડાવવામાં આવે છે.મુંબઈ-દિલ્હી વચ્ચે એક વધુ રાજધાની એક્સપ્રેસ ટ્રેન દોડાવવાની ઘણા વખતથી માગણી હતી. હાલ મુંબઈના સીએસએમટી સ્ટેશનેથી દિલ્હીની વચ્ચે પંજાબ મેલ દોડાવવામાં આવે છે, પણ એ ૨૬ કલાકનો સમય લે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



