૩૦-૪૦ મિનિટ પહેલા જ તમને સાવધાન કરી દેશે
ન્યુ દિલ્હી,તા.૧૦
વીજળી પડવાથી દર વર્ષે ભારતમાં ૨૦૦૦થી ૨૫૦૦ લોકોનું મોત થાય છે. માટે કેન્દ્ર સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે એક એવી એપ્લિકેશન બનાવી છે કે જે વીજળી આવતાની ૩૦-૪૦ મિનિટ પહેલા જ તમને સાવધાન કરી દેશે. આ એપ્લિકેશનનું નામ દામિની છે. આ ઍપ વીજળી પડશે એ પહેલા તમને માહિતી તો આપશે જ પણ કેવી રીતે બચવું એની માહિતી પણ આપશે. તમે Google Play Storeમાંથી આ એપ ડાઉનલોડ કરી શકો છો.
ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાન વિજ્ઞાન સંસ્થા (આઇઆઇટીએમ) દ્વારા આ એપ્લિકેશન બનાવવામાં આવી છે. તેના પર છેલ્લા ૬ મહિનાથી કામ ચાલી રહ્યું છે. તે બનાવનાર ટીમના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડાક્ટર સુનીલ પવારએ જણાવ્યું કે આ એપ વીજળીની માહિતી સાથે સાથે તે પણ જણાવશે કે કેવી રીતે તમે સલામત રહી શકો અને પ્રાથમિક સારવાર કરી શકો. ખેતરમાં કામ કરવા દરમિયાન, મુસાફરી દરમિયાન, ઘરની આસપાસ કામ કરતી વખતે જા વીજળી પડવાની હોય તો ચેતવણી મળશે અને તમે કેવી રીતે તમારો બચાવ કરી શકો તેની માહિતી ચિત્ર સહિત આપવામાં આવશે.
ડાક્ટર પવારે આગળ જણાવ્યું કે એપ્લિકેશન ખોલશો કે તરત જ તમે જે સ્થાન પર છો ત્યાંનો મેપ દર્શાવતુ એક વર્તુળ આવશે. આ વર્તૂળ ૨૦ કિલોમીટર વ્યાસમાં આગામી ૩૦-૪૦ મિનિટમાં આવનાર વીજળીની ચેતવણીથી સાવચેત કરશે. જે સ્થળ પર તમે હાજર હોવ ત્યાં વીજળી પડવાની છે કે નહીં તેની માહિતી નીચે હિન્દી અને અંગ્રેજી ભાષામાં આપશે. આગળ આ ચેતવણી ક્ષેત્રીય ભાષાઓમાં પણ આપશે આશા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



